<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

ઘુંટણ બદલાવવા માટે માર્ગદર્શિકા ઘડાશેઃ ટુંક સમયમાં અમલ

ખ્‍યાતિ હોસ્‍પિટલ કાંડ બાદ પગલા

અમદાવાદ તા.૨૮: પીએમજેએવાય યોજનાને ડોકટરોએ સરકાર પાસેથી કમાણીનું સાધન બનાવી દીધું હતું. સાંધા-ઘૂંટણ દુઃખતા હોય તો ડોક્‍ટરો તરત જ આયુષ્‍માન કાર્ડ હોય તો બદલી નાંખવાની સલાહ આપતા હતા. ખ્‍યાતિ કાંડ બાદ સફાળી જાગેલી સરકાર હવેની રિપ્‍લેસમેન્‍ટ માટે માર્ગદર્શિકા ઘડશે. રાજ્‍યમાં ખ્‍યાતિકાંડ જેવી દુર્ઘટના ન બને તે માટે રાજ્‍યના આરોગ્‍ય વિભાગે હાર્ટ, સાંધા અને ઘૂંટણના ઓપરેશન કિમોથેરેપી તથા રેડીયોલોજી સારવારના ખાસ નિયમો તૈયાર કર્યા છે. ટૂંક સમયમાં આરોગ્‍ય વિભાગ પીએમજેએવાય યોજનામાં આ નિયમોનો અમલ કરવા જઈ રહી છે.

માત્ર હાર્ટ જ નહીં પરંતુ સાંધા-ઘૂંટણના ઓપરેશનમાં પણ વ્‍યાપક ઙ્કમાણમાં ગેરરીતી આચરવામાં આવી રહી છે. આ જ પ્રમાણે કેન્‍સરના દર્દીઓને કિમોથેરેપી-રેડિયોલોજી સારવારના નામે ખોટા ક્‍લેમ કરવામાં આવી રહ્યા હોવાનું આરોગ્‍ય વિભાગના ધ્‍યાને આવ્‍યું છે. જેને જોતાં સચિવાલયમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે અને આ તમામ સારવાર માટે માર્ગદર્શિકા બનાવવામાં આવી હતી. જેનો ટૂંક સમયમાં અમલ કરવામાં આવશે. ગુજરાતના ઘણા વિસ્‍તારોમાં પાણીમાં ફ્‌લોરાઇડનું પ્રમાણ વધી રહ્યું છે. જે સાંધા-ઘૂંટણના વધતા રોગમાં મુખ્‍ય જવાબદાર પરિણામ છે. જેના ભાગ રૂપે નાની ઉંમરના લોકોમાં પણ આ સમસ્‍યા વધી છે. રાજ્‍યમાં સરકારી-ખાનગી હોસ્‍પિટલમાં હાર્ટ બાદ સાંધા-ઘૂંટના દર્દી સૌથી વધુ આવે છે. રાજ્‍યના મોટા શહેરો સિવાય તાલુકા મથકો અને મોટા ગામડાઓમાં પણ મલ્‍ટિસ્‍પેશિયાલિટી હોસ્‍પિટલો ખૂલી છે. અહીં દર્દી સાંધા-ઘૂંટણમાં દુખાવાની ફરિયાદ લઈને આવે તો આર્થોપેડિક ડોક્‍ટરો સાંધો બદલવાની સલાહ આપે છે.

કાર્ડમાં મફત ઓપરેશન થતું હોવાથી ગરીબ દર્દીઓ તરત જ તબીબોની સલાહ માનીને ઓપરેશન કરાવી લે છે. જો આરોગ્‍ય વિભાગ આ મામલે તપાસ કરે તો આર્થોપેડિક હોસ્‍પિટલોમાં પણ ખ્‍યાતિકાંડ જેવું કૌભાંડ સામે આવી શકે છે. રાજ્‍યમાં હવેથી કોઈ હોસ્‍પિટલ કે ડોક્‍ટરો ખોટી રીતે સરકારી યોજનાનો લાભ ન લઈ જાય તે માટે થોડા જ દિવસોમાં ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે અને તેનો ચુસ્‍ત અમલ પણ કરાશે.

(12:28 PM IST)