News of Thursday, 28th November 2024
નાસકોમની અધિકૃત અને વિશ્વસનીય કથા સાથે ભારતની આઇ.ટી ક્રાંતિની મહાગાથા વર્ણવતું હરીશ મહેતા લીખીત અદભૂત પુસ્તક ‘ધ મેવરિક ઇફેક્ટ'
પાને પાને પ્રેરણા આપતું પુસ્તક... હરીશ મહેતાએ ભારતમાં IT ક્રાંતિ આણી અને IT ક્ષેત્રે ભારતને અગ્રેસર બનાવ્યું : મેવરિક લોકોએ ભારતમાં IT ક્રાંતિ લાવનાર સંસ્થા નાસકોમની સ્થાપના કરી અને વિશ્વની અન્ય IT સંસ્થાઓ સાથે ભારતને સમાંતરે જોડી દીધું તેની સાફલ્ય ગાથા વર્ણવતુ પુસ્તક : પુસ્તકમાં ‘નાસકોમ' ની શરૂઆત કેવી રીતે થઇ અને સમય સાથે તેણે આટલું મોટુ સ્વરૂપ હાંસલ કરી કઇ રીતે આવો વ્યાપ પ્રભાવ ઉભો કર્યો, તેની વાર્તા છે

રાજકોટ, તા.૨૭ : આજે વાત થાય છે સિલિકોન વેલીના ભારતીયોની. કોઈપણને પૂછો એટલે આવતીકાલ વર્ચ્યુઅલ રિયાલિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની છે, એવી વાતો કરવા લાગશે! જગત ક્રિપ્ટો અને મેટામાં શિફટ થઈ રહ્યું છે અને ભારતના ૨૦૦ અબજ ડોલરનું મૂલ્યાંકન ધરાવતા આઇટી ઉદ્યોગમાં રોજગારી મેળવી ચૂકેલા ૪૦ લાખ લોકોની તકદીર ચમત્કારિક રીતે ફરી ગઈ છે. સ્ટાર્ટઅપના યુનિકોર્ન કે ડિજિટલ કેશલેસ ઇન્ડિયા કશું જ આઈટી વિના સંભવ નથી પણ આ આઇટી ભારતમાં કેવી રીતે સંભવ બન્યું ? ૧૯૭૦ના દાયકામાં ૨૦ વર્ષના એક લબરમુછિયા યુવાન અમેરિકાની નોકરી છોડી ભારત આવ્યા ત્યારે એણે જોયું કે કોમ્પ્યુટર બાબતે તો આ દેશ હજુ પાષાણ યુગમાં છે અને એણે આ વાસ્તવિકતા ધરમૂળથી પલટાવાનું બીડું ઝડપ્યું. સમય ગયો અને એણે એક સંસ્થા બનાવી ‘નાસકોમ'. જેને લીધે ધીરે ધીરે ભારતના રાજનેતાઓ ઉદ્યોગપતિઓ અને કેળવણીકારો આઈટીની સમજ કેળવતા થયા પણ એની પાછળ ભૂતકાળમાં શું થયું હતું? કેવી રીતે થઇ આ ક્રાંતિ ? દેશને એક નવા જ ગિયરમાં અને આધુનિક આત્મનિર્ભરતામાં લઈ જતી આ ઘટનાઓ કેવી હતી? બસ એને નજરે નિહાળી અને મોટાભાગે આકાર આપવાનું કામ કર્યું છે એક ગુજરાતી હરીશભાઇ મહેતાએ. તેમણે આ ડિજીટલ યુગ ભારતમાં ઘડવામાં સિંહફાળો આપી પછી સાક્ષીભાવે એનો રોમાંચક ઇતિહાસ લખ્યો છે. બહુ રસપ્રદ રીતે ભારત દેશમાં આઈટીની કહાની કહેતું સંસ્મરણાત્મક પુસ્તક લખ્યું અને સીધું એનું અંગ્રેજીમાં આંતરરાષ્ટ્રીય પ્રકાશન થયું એ છે આ ‘ધ મેવરિક ઇફેક્ટ'.
‘ધ મેવરિક ઇફેક્ટ' એ પાને પાને પ્રેરણા આપતુ પુસ્તક છે. જેમાં ભારતની આઇ.ટી ક્રાંતિની મહાગાથા હરીશ મહેતાની કલમે કંડારાઇ છે. પુસ્તકમાં ‘નાસકોમ' ની શરૂઆત કેવી રીતે થઇ અને સમય સાથે તેણે આટલું મોટુ સ્વરૂપ હાંસલ કરી કઇ રીતે આવો વ્યાપ પ્રભાવ ઉભો કર્યો, તેની વાર્તા છે. આ પુસ્તક એવા અનેક મેવરિક એટલેકે મુક્ત વિચારના મહારથીઓની વાત છે. પુસ્તકમાં લેખક હરીશભાઇ મહેતાએ સાર્વજનિક સ્ત્રોતો, ઇન્ટર્નલ મેમો અને તેમના સાથીદારો તથા મિત્રોના જીવંત ઇન્ટરવ્યુ પર આધાર રાખી પુસ્તક તૈયાર કર્યું છે. પુસ્તકમાં મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ આવરી લેવાયા છે. એ સમયે દેશનું વાતાવરણ કેવું હતું અને એ પરિસ્થિતિમાં નાસકોમ કેવું પરિવર્તન લાવી શક્યા, બીજું નાસકોમના મુલ્યો કેવા હતા, કઇ રીતે તેની સ્થાપના થઇ અને વિકાસ સાધ્યો અને ત્રીજું સમય મુજબ તેમાં કેવા ફેરફાર થયા, કેવા નિર્ણયો લેવાયા જેના પરિણામે વર્ષ ૨૦૨૪ સુધીમાં દેશમાં લગભગ ૫૪ લાખ ઉપરાંત સીધા રોજગારનું સર્જન થયું.
ધ મેવરિક ઇફેક્ટ પુસ્તકમાં હ્રદયસ્પર્શી પ્રસ્તાવના ઇન્ફોસીસ ટેક્નોલોજીના સ્થાપક એમ.આર. નારાયણ મૂર્તિએ તેમજ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનએ લખી છે. આ ઉપરાંત ઇન્ફોસીસના સહસ્થાપક નંદન નિલેકણી, વિપ્રોના ચેરમેન રીષદ પ્રેમજી, મોતિલાલ ઓસ્વાલના ચેરમેન રામદેવ અગ્રવાલ, નાસકોમના પ્રમુખ દેબજાની ઘોષ, એમક્યોર ફાર્માના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર નમિતા થાપર, જાણીતા લેખક-વક્તા જય વસાવડા, ફિલ્મ સર્જક અભિષેક જૈન, કવિ-નાટ્યકાર સિતાંશુ યશヘન્દ્ર, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા સહિત અનેક મહાનુભાવોએ ‘ધ મેવરિક ઇફેક્ટ' પુસ્તક વિશે પ્રશંસાના પુષ્પો વરસાવ્યા છે.
‘ધ મેવરિક ઇફેક્ટ' પુસ્તકમાં વાત બે દેશોની, જીવન એક પાઠશાળા, ફોલ્ડ ધ ફયુચર ઇનઃ નજર ભવિષ્ય તરફ, કદમ વર્તમાનમાં, આપતિમાં મળ્યો અવસર, નાસકોમના આધારસ્તંભ, ભારતીય હોવાનો ગર્વ, નાસકોમમાં પરિવર્તન, નાસકોમની અવિસ્મરણીય ક્ષણ સહિત અનેક પડાવો સાથેના નાસકોમના સંસ્મરણોને વણી લેવાયા છે. ૩૩૮ પાનાના આ દળદાર પુસ્તકમાં વચ્ચે લેખક હરીશ મહેતાના પરિવાર સહિત અનેક યાદગાર કલર તસવીરો જુની સ્મૃતિને તાજી કરાવે છે. પુસ્તકના અંતે ૧૯૯૦ થી આટલા વર્ષો દરમિયાન નાસકોમના ચેરપર્સનની નામજોગ યાદી પણ પ્રસિધ્ધ કરાઇ છે. સાથે લેખક હરીશભાઇ મહેતાનો પરિચય પણ અપાયો છે.
હરીશભાઇ મહેતાએ ભારતમાં IT ક્રાંતિ આણી અને IT ક્ષેત્રે ભારતને અગ્રેસર બનાવ્યું. આ એક એવો સમય હતો જયારે ભારતમાં કમ્પ્યુટર એક નવીનતા હતી, IT ઉદ્યોગ અંગેનો કોઈ વિચાર પણ નહોતો અને ભારત પોતે સામાજિક, આર્થિક વિષમતાઓ અને લાઇસન્સરાજમાં ફસાયેલું હતું. એમણે મક્કમ મનોબળવાળા યુવા વ્યવસાયિકોને એક છત્ર નીચે જોડ્યાં. આ મેવરિક લોકોએ ભારતમાં IT ક્રાંતિ લાવનાર સંસ્થા NASSCOM ની સ્થાપના કરી અને વિશ્વની અન્ય IT સંસ્થાઓ સાથે ભારતને સમાંતરે જોડી દીધું. ‘ધ મેવરિક ઇફેક્ટ' પુસ્તક એવા લોકોની યશગાથા છે જેમણે રાષ્ટ્રને નવા યુગમાં લઈ જવા માટે સપનું જોયું અને સાકાર કર્યું. પુસ્તકના પાછલા કવર પેઇજ પર પુસ્તનો નાનો પરિચય પણ પ્રસિધ્ધ કરાયો છે. અહીં કહાની માત્ર ડિજિટલ ટેકનોલોજીની જ નથી પણ ભારત રાષ્ટ્રના સ્વભાવમાં આવેલા પરિવર્તનની અને એની ઉજ્જવળ આવતીકાલની પણ છે. મસ્ટ રીડ.
લેખનો પરિચય
હરીશ મહેતા ઓનવર્ડ ગ્રૂપના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરપર્સન છે. તેમણે ઓનવર્ડ-નોવેલ સોફટવેર (૧૯૯૧-૨૦૦૫) અને ઓનવર્ડ ટેક્નોલોજિસ (૨૦૦૫ થી)ના બે અવતારનું નેતૃત્વ કર્યું છે. એ સમયે ઓનવર્ડ ગ્રૂપ અને નોવેલ ઇન્ક. વચ્ચેનું ૫૦:૫૦ ટકા ભાગીદારીનું જોઇન્ટ વેન્ચર દેશનું આ પ્રકારનું પહેલું સાહસ હતું. ઓનવર્ડ ટેક્નોલોજિસ પબ્લિકલી લિસ્ટેડ કંપની છે, જેમાં ૨,૪૦૦ થી વધુ લોકો કામ કરે છે અને તે એન્જિનિયરિંગ તથા સોફટવેર સર્વિસીઝ (સેવા) પર કેન્દ્રિત છે. ગત વર્ષે ભારતને લગભગ રૂ. ૨૧ લાખ કરોડનું વિદેશી હૂંડિયામણ રળી આપનાર IT અને BPO ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતા નાસકોમ (Nasscom) નું વિચારબીજ અને તેનો જન્મ ૧૯૮૮માં મુંબઈમાં હરીશ મહેતાની ઓફિસમાં થયો હતો. નાસકોમ એ એવા વિશ્વાસભર્યા વાતાવરણનું સર્જન કર્યું, કે જેમાં એકમેક સાથે સ્પર્ધા કરતી કંપનીઓ, એકમેક સાથે સહયોગ સાધી સોફટવેર સર્વિસીઝ બિઝનેસ માટેના વિશ્વાસપાત્ર સ્થળ તરીકે ભારતને પ્રસ્થાપિત કરવાના વ્યાપક ધ્યેય માટે કામ શરૂ કર્યું અને સાતત્યભેર જાળવી રાખ્યું છે. નાસકોમ ખાતે, હાલમાં હરીશભાઇ મહેતા ચેરપર્સન્સ કાઉન્સિલના કન્વિનર છે. તેમના નેતૃત્વ હેઠળની ટીમે અનેક પ્રારંભનાં બીજ વાવ્યાં છે, જેનાથી નાસકોમ ના દૃષ્ટિકોણને આગળ લઈ જવામાં મદદ મળી છે. આ શરૂઆતમાં સુદૃઢ બ્રાન્ડ ઇન્ડિયા ઇન્ક.નું સર્જન, સોફટવેર પાર્ક્સ તથા એક્સ્પોર્ટ પ્રોસેસિંગ ઝોનની રચનાને વધુ બળ આપનાર STPI નો પાયો નાખવામાં, ઉદ્યોગને આવકવેરાના લાભનું વિસ્તરણ, સોફટવેર પાયરસી પર અંકુશ લાવવા માટે મજબૂત કોપીરાઇટ કાયદા બનાવવા, ભારતની પ્રથમ સાયબર-લેબની રચના અને કોમ્યુનિકેશન લિન્ક્સ ખોલવી વગેરેનો સમાવેશ થાય છે. હરીશભાઇ સક્રિય એન્જલ ઇન્વેસ્ટર, માર્ગદર્શક અને સલાહકાર છે. વર્ષ ૧૯૯૨માં USમાં સ્થાપિત અને પ્રતિષ્ઠિત એવી TiEને (ધી ઇન્ડસ એન્ટરપ્રેન્યોર્સ; સિલિકોન વેલી સ્થિત બિન-નફાકારી સંસ્થા) તેઓ '૯૦ના દાયકામા જ ભારતમાં લઈ આવ્યા હતા તથા TIE મુંબઈના પ્રથમ પ્રેસિડન્ટ બન્યા હતા. ૨૦૦૨માં ભારતના પ્રથમ કોર્પોરેટ વીસી ફંડ તરીકે સ્થપાયેલા ઇન્ફિનિટી વેન્ચર ફંડના સ્થાપક સભ્ય હતા. તેઓ ઇન્ડિયન એન્જલ નેટવર્કની ઈન્વેસ્ટમેન્ટ કમિટીના સભ્ય પણ છે. તેઓ ઓનવર્ડ ફાઉન્ડેશન અને દેવાંગ મહેતા ફાઉન્ડેશનમાં સક્રિયપણે સ્વૈચ્છિક સેવાઓ આપે છે. હરીશભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, પુણેમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક ડિગ્રી ધરાવે છે અને બ્રૂકલીન પોલીટેક્નિક ઇન્સ્ટિટ્યૂટ, NYU, યુ.એસ.એ.માંથી તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ -કમ્પ્યુટર સાયન્સ)માં માસ્ટર્સ કર્યું છે. ‘ધ મેવરિક ઇફેક્ટ' પુસ્તક લખી હરીશભાઇએ દેશને ખોળે ધર્યું છે.
નાસકોમ વિશે..
NASSCOM (નાસકોમ) નેશનલ એસોસિયેશન ઓફ સોફટવેર એન્ડ સર્વિસીસ કંપનીઝ, એક બિન-લાભકારી ઉદ્યોગ સંગઠન, ભારતમાં ૧૮૦ બિલિયન ડોલર IT BPM ઉદ્યોગ માટે સર્વોચ્ચ સંસ્થા છે. એક એવો ઉદ્યોગ કે જેણે ભારતના જીડીપી, નિકાસ, રોજગાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક દૃશ્યતામાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું.
ભારતમાં, આ ઉદ્યોગ ખાનગી ક્ષેત્રમાં સૌથી વધુ રોજગાર પ્રદાન કરે છે. NASSCOM ની સ્થાપના ૧૯૮૮ માં કરવામાં આવી હતી અને ત્યારથી, NASSCOM ની અવિરત શોધ IT BPM ઉદ્યોગને સતત સમર્થન આપવાનો છે. તે માનવીય અને મૈત્રીપૂર્ણ સ્પર્શને ક્યારેય ગુમાવ્યા વિના વિવિધ હિતધારકો પાસેથી વિશ્વાસ અને આદર મેળવવા માટે પ્રયત્નશીલ છે. ૧૯૮૮ માં સ્થપાયેલ, NASSCOM એક બિન-લાભકારી સંસ્થા છે. NASSCOM એ US $ ૨૨૭ બિલિયન ભારતીય ટેકનોલોજી ઉદ્યોગ માટે સર્વોચ્ચ સંસ્થા છે. NASSCOM નીતિની હિમાયત દ્વારા BPM સેક્ટર આર્કિટેક્ચરના એક અભિન્ન ભાગ તરીકે IT ને વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે IT BPM સેક્ટર માટે વ્યૂહાત્મક દિશા નિર્ધારિત કરવામાં મદદ કરે છે અને નવી સીમાઓ પર પ્રભુત્વ મેળવવાની તેની ક્ષમતાનો ઉપયોગ કરે છે.
NASSCOM ના ૨૮૦૦+ સભ્યો ઉદ્યોગની આવકનો ૯૦% હિસ્સો ધરાવે છે અને એસોસિએશનને સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે પહેલ કરવા માટે સક્ષમ બનાવે છે. બદલામાં, IT BPM ઉદ્યોગને વૈશ્વિક મહાસત્તા તરીકે ઓળખવામાં આવી છે. NASSCOM અનુકૂળ બિઝનેસ વાતાવરણ બનાવીને, નીતિઓ અને પ્રક્રિયાઓને સરળ બનાવીને, બૌદ્ધિક મૂડીને પ્રોત્સાહન આપીને અને ટેલેન્ટ પૂલને મજબૂત કરીને વૈશ્વિક IT ઓર્ડરમાં ભારતની ભૂમિકાને વિસ્તૃત કરવા માટે સમર્પિત છે.
ધ મેવરિક ઇફેક્ટ પર વરસેલા પ્રશંસાના પુષ્પો
* ભારતીય IT સેક્ટરની વિશ્વમાં બ્રાન્ડ ઇમેજ ઊભી કરવામાં અને ભારતીય મધ્યમ વર્ગને ઊભો કરવામાં પણ IT સેક્ટરની મહત્ત્વની ભૂમિકા વિશે જાણીને ઘણા વાચકો આヘર્યચકિત થઈ જશે. ‘ધ મેવરિક ઇફેક્ટ' વાંચવાની હું ભારપૂર્વક ભલામણ કરું છું.
- દીપક એસ. પારેખ, ભૂતપૂર્વ ચેરમેન HDFC લિમિટેડ
* સૌથી અગત્યની વાત તો એ છે કે તેઓ NASSCOM જેવા આヘર્યચકિત કરી દે તેવા સંગઠનની અત્યાર સુધી વણકહી રહેલી બાબતો આ પુસ્તક દ્વારા બહાર લાવે છે.
- નંદન નિલેકણી, ચેરમેન અને ઇન્ફોસીસના સહસ્થાપક
* જાણે સરદાર પટેલ ખુદ ભારતના એકીકરણ વિશે લખે, એમ હરીશ મહેતા આ ડિજિટલ યુગ ભારતમાં ઘડવામાં સિંહફાળો આપી, પછી સાક્ષીભાવે એનો રોમાંચક ઇતિહાસ લખે છે.
- જય વસાવડા
* વર્તમાન વિશ્વમાં IT ક્ષેત્રે સહુથી અગ્રેસર મનાતા ભારતમાં હકીકતમાં IT ઇન્ડસ્ટ્રીનો ઉદય કેવી રીતે અને કેવા સંજોગોમાં થયો તેની રસપ્રદ વાત એ ઇન્ડસ્ટ્રીના ‘ભીષ્મપિતામહ'ની કલમે આ પુસ્તકમાં વાંચવા મળે છે.
- જૈમિન શાહ કો-ફાઉન્ડર, દેવ IT લિ.
* હરીશે આપણા ઉદ્યોગના એક સૌથી સફળ એવા એસોસિયેશન NASSCOMની સ્થાપનાનું એક બેબાક અને સમજદાર ચિતાર આપતું પુસ્તક લખ્યું છે. તેમાં હરીશની પોતાની જિંદગીના ઉતાર-ચઢાવને પણ બહુ સમતાપૂર્વક આવરી લીધા છે. એની પાસેથી ઘણું ઘણું શીખવાનું છે.
- રીષદ પ્રેમજી, ચેરમેન, વિપ્રો
* અનેક મુશ્કેલીઓ વચ્ચે અસાધારણ બહાદુરીની વ્યક્તિગત ગાથા સાથે ભારતની બદલાઈ રહેલી આર્થિક નીતિઓની પૃષ્ઠભૂમિ સાથે સાંકળી લેતું આ પુસ્તક, કોઈ પણ ઉદ્યોગસંગઠન સાથે સંકળાયેલી, દરેક વ્યક્તિએ વાંચવું જ પડે એવું છે.
- કિરણ કર્ણિક, ભૂતપૂર્વ પ્રેસિડન્ટ, NASSCOM
* ભારતને ઝડપથી હંકારી રહેલી ડિજિટલ ક્રાંતિની શરૂઆત NASSCOMની સ્થાપક હરીશ અને તેના ખ્યાતનામ સાથીદારો દ્વારા થઈ હતી. પોતાની કંપનીનો નફો વધારવાની સ્વાભાવિક વૃત્તિને પ્રાધાન્ય આપવાને બદલે, રાષ્ટ્ર-હિતને પણ ધ્યાનમાં લઈ, નીતિ ઘડવૈયાઓનો વિશ્વાસ જીતી શકે તેવા ઉદ્યોગસગંઠનો બનાવવા ઇચ્છતા લોકોએ તો આ પુસ્તક ખાસ વાંચવું જ જોઈએ.
- રાજીવ કુમાર, ભૂતપૂર્વ વાઇસ ચેરમેન, નીતિ આયોગ
‘ધ મેવરિક ઇફેક્ટ’ ભારતની
આઇ.ટી. ક્રાîતિની મહાગાથા
લેખક : હરીશ મહેતા
ગુજરાતી સંપાદન : શ્યામ પારેખ
પ્રકાશક : આર.આર.શેઠ
પ્રથમ આવૃતિ : ઓગસ્ટ ૨૦૨૪
કિંમત રૂ. ૩૯૯
પુસ્તક પાના : ૩૩૮
મુદ્રણ : કિન્ની ઓફસેફટ, અમદાવાદ
સંપર્ક : આર.આર.શેઠ. અમદાવાદ (૦૭૯) ૨૫૫૦૬૫૭૩
વેબસાઇટ : www.rrsheth.com
: સૌજન્ય :
lí UÝëÜ ÕëßõÂ
કક્કો મીડિયા એલએલપી
અમદાવાદ
મો. ૯૮૨૫૦૮૭૭૬૭ / ૯૬૦૧૧૭૭૭૭૫

(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
