News of Thursday, 28th November 2024
મેઘરજના ઈસરી ગામમાં શણગારેલા બળદગાડામાં જાન જોડી વરરાજાએ ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરી
DJના ઘોંઘાટની જગ્યાએ ઢોલ અને શરણાઈના દેશી વાજીંત્રોનો રણકાર અને બળદ ગાડા પાછળ પરંપરાગત સાફામાં જાનૈયાઓ જોવા મળ્યા

અમદાવાદ :આધુનિક યુગમાં લોકો જૂની પરંપરા અને ભારતીય સંસ્કૃતિને વિસરતા જઈ રહ્યા છે. લગ્નના વરઘોડામાં વટ પાટવા માટે અત્યારે મોંઘીદાટ લક્ઝરી કારો તો કોઈ ઠેકાણે હેલિકૉપ્ટરમાં જાન લઈ જવામાં આવી રહી છે. આ માટે પરિવારો લાખો-કરોડો રૂપિયા ખર્ચતા પણ ખચકાતા નથી. એવામાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના એક ગામમાં વરરાજાની બળદગાડામાં જાન નીકળતા આકર્ષણનું કેન્દ્ર બની હતી.
અત્યારે મોટાભાગના લગ્નોમાં વરરાજા લક્ઝરી કારમાં હોય અને પાછળ DJના તાલે જાનૈયાઓ મનમૂકીને ઝૂમતા હોય છે. જો કે મેઘરજ તાલુકાના ઈસરી ગામમાં રહેતા ભાટીયા પરિવારે લક્ઝરી કારની જગ્યાએ બળદ ગાડામાં જાન લઈ જવાનો નિર્ણય કર્યો હતો.
ઈસરી ગામના વતની અને અત્યારે અમદાવાદમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જયેશભાઈ ભાટીયાના પુત્રના લગ્ન લેવાયા હતા. આ માટે પરિવાર ખાસ અમદાવાદથી માદરે વતન આવ્યો હતો. ગત સોમવારે ઈસરી ગામમાંથી હર્ષના નીકળેલા વરઘોડાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતુ, કારણ કે વરરાજા કોઈ મોંઘીદાટ કારમાં બેસવાની જગ્યાએ શણગારેલા બળદગાડામાં બેઠા હતા.
આટલું જ નહીં, વરઘોડામાં DJના ઘોંઘાટની જગ્યાએ પરંપરાગત શરણાઈ અને ઢોલના દેશી વાજીંત્રોનો રણકાર સંભળાતો હતો. આ વરઘોડાને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉમટી પડ્યા હતા.
આ અંગે વરરાજા હર્ષના પિતા જયેશ ભાટીયાએ જણાવ્યું કે, ગામમાં દેખાદેખી ખાતર અને પોતાનો વટ પાડવા માટે લોકો લગ્ન પાછળ અઢળક પૈસા ખર્ચે છે. જો કે પાછળથી તેઓને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. બીજી એક ખાસ વાત કે, આપણી સમૃદ્ધ લગ્ન પરંપરા પણ વિસરાઈ રહી છે. જ્યારે હું સાદગીમાં જ સુંદરતાને માનું છુ. આપણી ભારતીય સંસ્કૃતિને પ્રચલિત કરવા માટે હું છેલ્લા એક વર્ષથી હર્ષ માટે પરંપરાગત વરઘોડાની યોજના બનાવી રહ્યો હતો.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
