તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
હદ થઇ ગઇ...ચાલુ કોર્ટે જજને બંધ કવરમાં લાંચ આપવા પ્રયાસ : ગોધરા લેબર કોર્ટની ઘટના
ભાદરા પેટા વિભાગના રોજમદાર બાબુભાઇ સોલંકીએ પોતાને પુનઃ નોકરી ઉપર લેવા ૩૫ હજાર ભરેલું કવર લઇ ડાયસ ઉપર ચડી ગયા : ધરપકડ

અમદાવાદ, તા.૩૦: ભાદર પેટા વિભાગના રોજમદાર બાબુભાઇ ધીરાભાઇ સોલંકીએ ગોધરાની લેબર કોર્ટની કાર્યવાહી દરમિયાન ડાયસ ઉપર ચઢીને જજને બંધ કવરમાં લાંચ આપવાો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. આ મામલે બાબુભાઇ સોલંકીને પકડીને ગોધરા ACBને સોપવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર પાનમ યોજના અંતર્ગત ભાદર નહેર વિતરણ પેટા વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા મૂળ મહિસાગરના બાબુભાઇ સોલંકી કે તેમને વર્ષ ૨૦૧૮માં કચેરી તરફથી નોકરીમાંથી છૂટા કરાયા હતા. આ મામલે વર્ષ ૨૦૨૩માં બાબુભાઇએ પોતાને પુનઃ નોકરી ઉપર લેવા માટે ગોધરાની લેબર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી ચાર-પાંચ વર્ષથી કોર્ટમાં ચાલતી હતી. કેસ સંદર્ભે બાબુભાઇ છેલ્લા ચાર-પાંચ દિવસથી લેબર કોર્ટ ગોધરા ખાતે આવતા હતા.
કેસની સુનાવણીની તારીખ ન હોવા છતાં બાબુભાઇ સવારે લેબર કોર્ટમાં આવ્યા હતા અને કોર્ટની કાર્યવાહી શરૂ થયાના થોડા જ સમયમાં ડાયસ ઉપર ચઢીને જજને એક બંધ કવર આપવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે જજે બંધ કવર સ્વીકારવાની ના પાડીને કવર ખોલવા જણાવતા બાબુભાઇએ કવર ખોલ્યું હતું જેમાં ચલણી નોટો હતી.
આ દ્રશ્ય જોઇને જજ ચોંકી ગયા હતા. ખુલ્લી કોર્ટમાં લાંચ આપવાની આ પ્રથમ ઘટના હતી. જજે તરત જ પોલીસ બોલાવી હતી અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે બાબુભાઇ સોલંકીની ધરપકડ કરી હતી. જજને લાંચ આપવાનો ગુનો બનતો હોવાથી ગોધરા પોલીસે આરોપીને ગોધરા એલસીબીના હવાલે કર્યો છે.
પંચમહાલ જિલ્લા લેબર કોર્ટમાં કોર્ટ કાર્યવાહી દરમિયાન જજને બંધ કવરમાં લાંચ આપવાનો પ્રયાસ કરવાના બનાવમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કવરમાં મુકેલા રૂપિયાની ગણતરી કરતા રોજમદાર બાબુભાઇ સોલંકીએ કવરમાં ૩૫ હજાર મુકયા હોવાની વિગતો જાણવા મળી હતી. પોલીસે આ અંગે બાબુભાઇની પૂછપરછ કરતા પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે તેને નડિયાદના કોઇ વ્યક્તિ દ્વારા લાંચ આપવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, પોલીસ દ્વારા હવે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઇ છે કે આ ગુનામાં કોની કોની સંડોવણી છે. બાબુ સોલંકીએ પૈસા કોઇની પાસેથી મેળવ્યા કે પછી બેંકમાંથી ઉપાડયા વગેરે બાબતોની પણ તપાસ થશે. જોકે, જજને બદનામ કરવા માટેનુ આ કાવતરૂ હોવાની ચર્ચા કોર્ટ સંકુલમાં ચાલી રહી છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
