તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ નાણાની હેરાફેરી માટે 11 કંપનીઓ બનાવી:જુદી-જુદી બેંકમાં 27 ખાતા ખોલાવ્યા: તમામ ફ્રીઝ કરાયા
CID ક્રાઈમની ટીમને BZ ગ્રુપના બે બેંક એકાઉન્ડમાં 175 કરોડ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા

અમદાવાદ :બી.ઝેડ. ગ્રુપના 6 હજાર કરોડ રૂપિયાના કૌભાંડમાં CID ક્રાઈમની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સુત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ ફરાર છે. જેણે નાણાંની હેરફેર કરવા માટે જુદી-જુદી બેંકમાં 27 ખાતા ખોલાવ્યા હતા. હાલ તો તમામ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.
બી.ઝેડ ફાઈનાન્સિયલ અને બી.ઝેડ. ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ રોકાણકારોને ઊંચુ વળતર આપવાની લાલચ આપીને 6 હજાર કરોડનું ફુલેકું ફેરવીને ભૂગર્ભમાં ઉતરી ગયો છે. આ મામલે ગત 27 નવેમ્બરના રોજ CID ક્રાઈમ દ્વારા ગાંધીનગર ઝોન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ કરી રહેલી CID ક્રાઈમની ટીમને BZ ગ્રુપના બે બેંક એકાઉન્ડમાં 175 કરોડ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા છે.
આ મામલે મયુર દરજી, વિશાલસિંહ ઝાલા,દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ અને રણવીરસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી. જે પૈકી એજન્ટ તરીકે કામ કરતો મયુર દરજી મુખ્ય સુત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલાનો સાળો હોવાનું સામે આવ્યું છે. મયુર દરજીના રિમાન્ડ પુરા થતાં તેને પણ અન્ય આરોપીઓ સાથે જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરમતી જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
રિમાન્ડ પર રહેલા મયુર દરજીની પૂછપરછમાં સામે આવ્યું કે, મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહે રુપિયાની હેરફેર માટે જુદી-જુદી 11 જેટલી કંપનીઓ બનાવી હતી. આટલું જ નહીં, તેણે પોતાના તેમજ અલગ-અલગ કંપનીઓના નામે જુદી-જુદી બેંકોમાં 27 જેટલા ખાતા ખોલાવ્યા હતા. જેમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ નાણાંની હેરફેર કરવામાં આવતી હતી.
હાલ તો તમામ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરીને તેમા રહેલા અંદાજે 1.5 કરોડ રૂપિયા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. જ્યારે મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ GROW MORE FAUNDATIONના ટ્રસ્ટી તરીકે હજુ પણ કાર્યરત હોવાથી તેની પણ તપાસ ચાલી રહી છે.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
