<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

સગીર વિદ્યાર્થિનીને શારીરિક અડપલા કરી બિભત્સ માંગણી કરનાર લંપટ શિક્ષકની આણંદથી ધરપકડ

છોટાઉદેપુર પોલીસે લંપટ શિક્ષક સંજય પારેખને ખડોલ ગામના તેના ઘરેથી ઝડપી પાડીને છોટાઉદેપુર પોલીસ મથકે લઇ આવી હતી.

છોટા ઉદેપુર જિલ્લાની એક શાળાના લંપટ શિક્ષક દ્વારા તેની જ શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતી 13 વર્ષીય સગીર વિદ્યાર્થિનીને શારીરિક અડપલા કરી બિભત્સ માંગણી કરવામાં આવી હતી.સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા લંપટ શિક્ષક ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી તેને તેના વતન આણંદથી ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસ મથક ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

છોટાઉદેપુરની એક શાળાના શિક્ષક સંજય પારેખ દ્વારા શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પગથિયાં ઉપર બોલાવીને બીભત્સ માંગણી કરીને શારીરિક અડપલા કર્યા હતા. જેની સામે વિદ્યાર્થિનીએ હોસ્ટેલના વોર્ડનને જાણ કરતા તેઓએ વિદ્યાર્થિનીના વાલીને જાણ કરતા વાલીએ છોટાઉદેપુર પોલીસ મથકમાં લંપટ શિક્ષક સંજય પારેખ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

છોટાઉદેપુર પોલીસે સંજય પારેખની શોધખોળ શરૂ કરતા તે પોતાના વતન આણંદ જીલ્લાના ખડોલ ગામના ઘરે છુપાયો હોવાની જાણ થતા છોટાઉદેપુર પોલીસે લંપટ શિક્ષક સંજય પારેખને ખડોલ ગામના તેના ઘરેથી ઝડપી પાડીને છોટાઉદેપુર પોલીસ મથકે લઇ આવી હતી.

સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના છોટાઉદેપુરની એક શાળામાં બનતા શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવી ગયું હતું અને જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશ પણ કરી દેવામાં આવ્યા છે. અને તપાસ નો રિપોર્ટ આવ્યા બાદ લંપટ શિક્ષક વિરૂદ્ધમાં યોગ્ય પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(12:49 AM IST)