<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

વાઘોડીયાના જરોદ નજીક એસ.ટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત :એક મુસાફરનું ઘટના સ્થળે જ મોત

દાહોદથી અડાજણ જતી ગુજરાત એસ.ટીની બસ હાલોલ-વડોદરા નેશનલ હાઈવે પર જરોદ ગામ પાસેથી પસાર થતી હતી ત્યારે ટ્રક ધડાકાભેર બસ સાથે અથડાઈ

વડોદરા જિલ્લાના વાઘોડીયા તાલુકાના જરોદ પોલીસ મથકની હદમાં એસ.ટી બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બસમાં સવાર એક મુસાફરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, દાહોદથી અડાજણ જતી ગુજરાત એસ.ટીની બસ હાલોલ-વડોદરા નેશનલ હાઈવે પર જરોદ ગામ પાસેથી પસાર થઈ રહી હતી. આ સમયે ટ્રક ધડાકાભેર બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર એક મુસાફરનું ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 20 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા.

બીજી તરફ આ અકસ્માતની જાણ થતાં જરોદ પોલીસ મથકનો કાફલો તેમજ 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં સ્થાનિકોની મદદથી બસની બારીમાંથી મૃતદેહ કાઢીને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી 4 ઈજાગ્રસ્તોની હાલત નાજુક જણાતા તેમને વડોદરાની SSGમાં રીફર કરવામાં આવ્યા છે.

આ અકસ્માતના પગલે હાલોલ-વડોદરા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, કોર્પોરેટર જાગૃતિ કાકા સહિતના આગેવાનો SSG દોડી આવ્યા હતા. હાલ તો જરોદ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:55 AM IST)