<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

આજે વિશ્‍વ એઇડસ દિવસઃ ગુજરાતમાં 1.20 લાખથી વધુ લોકો એઈડ્સની સંક્રમિતઃ એક વર્ષમાં ૮૦૦ નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં હ્યુમન ઈમ્યુનોડેફિસિએન્સી વાયરસ (એચઆઇવી) વાયરસથી સંક્રમિત એક્વાયર્ડ ઈમ્યુનોડેફિસિએન્સી સિન્ડ્રોમ (એઇડ્‌સ)ના 1.20 લાખથી વઘુ દર્દીઓ છે. આમ, રાજ્યમાં હાલ પ્રતિ 1 લાખની વસતીએ સરેરાશ ચાર વ્યક્તિ એચઆઇવી સંક્રમણ ધરાવે છે. આ ઉપરાંત એક વર્ષમાં 800 વ્યક્તિએ એઇડ્‌સ સામે જીવ ગુમાવ્યો છે. 15થી 49ના વયજૂથમાં ગુજરાતમાં એચઆઇવી પ્રિવેલન્સ રેટ 0.19 ટકા છે. 

વિશ્વના તમામ લોકોમાં એચઆઇવી-એઇડ્‌સ  વિશે જાગૃતિ આવે તે હેતુસર ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ દ્વારા દર વર્ષે 1 ડિસેમ્બરની ઉજવણી ‘વિશ્વ એઇડ્‌સ દિવસ’ તરીકે કરવામાં આવે છે.આજના આઘુનિક યુગમાં એચઆઇવી ક્રોનિક મેનેજેબલ ડિસિઝ એટલે કે નિયમિત દવા લેવાથી નિયંત્રણમાં રાખી શકાય તેવો રોગ છે. દરેક એચઆઇવી પોઝિટિવ વ્યક્તિ નિયમિત દવા લઇને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવીને કુદરતી આયુષ્ય મુજબ જીવન જીવી શકે છે. 

તાજેતરમાં લોકસભામાં રજૂ કરવામાં આવેલા અહેવાલ અનુસાર નેશનલ એઇડ્‌સ-એસટીડી કન્ટ્રોલ પ્રોગ્રામ હેઠળ નોંધાયેલા કુલ 84537 દર્દીઓ છે. 2019-20માં આ દર્દીઓની સંખ્યા 71499 હતી. આમ, પાંચ વર્ષમાં દર્દીઓની સંખ્યામાં 12 ટકાથી વઘુનો વધારો થયો છે. બીજી તરફ ગુજરાત સરકારના દાવા અનુસાર  ગુજરાતમાં અનુમાનિત વયસ્ક એચઆઇવી પ્રસાર વર્ષ 2019માં 0.20%થી ઘટીને 2023માં 0.19% થઇ ગયો છે. તેવી જ રીતે, 2019માંએચઆઇવી  સંક્રમણ દર પ્રત્યેક 1,00,000 અસંક્રમિત લોકોમાં 6 વ્યક્તિથી ઘટીને વર્ષ 2023માં 4 વ્યક્તિ થઇ ગયો છે.  

(4:22 PM IST)