News of Monday, 2nd December 2024
હવે દરેક હોસ્પિટલ-લેબોરેટરી માટે ૧૨ માર્ચ-૨૦૨૫ સુધીમાં નોંધણી ફરજિયાત
હવે, નોંધણી પ્રમાણ પત્ર નહીં હોય તેવી કોઈપણ સંસ્થાને ૧૦,૦૦૦થી લઈ ૫ લાખ સુધીનો દંડ થશે : લેબોરેટરી કે અન્ય સેવાઓ આપતી સંસ્થાઓને પણ લાગુ પડશે : જો, જાહેર કરાયેલી સમય-મર્યાદામાં રજિસ્ટ્રેશન નહીં કરાયું હોય તેવી કોઈપણ આરોગ્ય સંસ્થા સામે (૧) નાણાકીય કાર્યવાહી ઉપરાંત (૨) સખત કાયદાકીય પગલાં ભરાશે

અમદાવાદ, તા.૨: ગુજરાતમાં ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ રાજ્ય અને દેશમાં ભારોભાર બદનામી થઈ છે. હવે, રાજ્ય સરકારે આવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. જેના પગલે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેર કર્યું છે કે, ૧૨મી, માર્ચ ૨૦૨૫ સુધીમાં રાજ્યની તમામ હોસ્પિટલોએ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ ફરજિયાતપણે નોંધણી-રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જો, જાહેર કરાયેલી સમય-મર્યાદામાં રજિસ્ટ્રેશન નહીં કરાયું હોય તેવી કોઈપણ આરોગ્ય સંસ્થા સામે (૧) નાણાકીય કાર્યવાહી ઉપરાંત (૨) સખત કાયદાકીય પગલાં ભરાશે. રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટની ડિજિટલ રજિસ્ટ્રી સ્થાપિત કરવી ખૂબ જ જરૂરી છે. રજિસ્ટ્રેશન સિસ્ટમ દાખલ થવાથી રાજ્યમાં અયોગ્ય પ્રેક્ટિશનરો દ્વારા ઊંટવૈદું રોકી શકાશે.
શનિવારે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. જેમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની પ્રવર્તમાન જોગવાઇઓ, આ અધિનિયિયમ હેઠળ જરૂરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઇ રહેલી હોસ્પિટલ્સના રજિસ્ટ્રેશન અંગે વિગતવાર સમીક્ષા કરાઇ હતી. સરકાર માને છે કે, હવે, આ કાયદાની કડક અમલવારીના પરિણામે ઉપચાર પધ્ધતિ પર અસરકારક નિયમન થશે અને હિતધારક ભાગીદારી, ઉપચાર પદ્ધતિઓ દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધરશે. આ કાયદા હેઠળ, નોંધણી ફરજિયાત છે અને માન્ય તબીબી પદ્ધતિઓ માટે જ મંજૂર છે. જે તાત્કાલિક આરોગ્ય પરિસ્થિતિમાં વધુ સારા સંચાલન અને નોંધણીમાં સુધારો લાવશે.
આ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ક્લિનિક સંસ્થાઓના તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયગ્નોસ્ટિક સેવાઓ માટે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત છે. એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, સિધ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજિસ્ટ્રેશન ફરજિયાત પણ કરાવવું પડશે.
આ એક્ટ હેઠળ ક્લિનિક, કન્સલ્ટિંગ રૂમ, પોલી-ક્લિનિક ઉપરાંત ૧૫ બેડથી લઇ ૧૦૦થી વધુ પથારીઓ ધરાવતી હોસ્પ્ટિલ્સમાં બેડ પ્રમાણે તબક્કાવાર નોંધણી તેમજ સ્ટેન્ડઅલોન લેબ-અન્ય ડાયગ્નોસ્ટિક યુનિટમાં પણ નિયત ફી ભરીને રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે. આ તમામ કેટેગરીની સેવાઓ આપતી સંસ્થાઓએ કામચલાઉ, કાયમી ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્રો લેવા ફરજિયાત છે. પ્રમાણપત્ર વિના કાર્યરત સંસ્થા માટે રૂ. ૧૦,૦૦૦થી ૫ લાખ સુધીના દંડની જોગવાઇ છે.
આ અધિનિયમની કોઈપણ જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર, વ્યક્તિ કે સંસ્થાને (૧) પ્રથમ ગુના માટે ૧૦,૦૦૦ રૂપિયા (૨) બીજા ગુના માટે ૨૫,૦૦૦ રૂપિયા સુધી અને (૩) તે પછીના કોઈપણ ગુના માટે એક લાખ રૂપિયા સુધીનો દંડ હોઈ શકે છે. જે મુજબ, આ અધિનિયમ હેઠળ આપવામાં આવેલા આદેશોનું જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા ઇરાદાપૂર્વક અનાદર કરે અથવા કોઈ કાર્યો કરવામાં અવરોધ ઉભો કરે તેવી વ્યક્તિ-સંસ્થા ૫ લાખ રૂપિયા સુધી દંડને પાત્રની જોગવાઇ છે.
ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અધિનિયમ ૨૨મી, મે-૨૦૨૧ના રોજ ગેઝેટમાં પ્રકાશિત થયો હતો. આ કાયદો ૧૩મી, સપ્ટેમ્બર-૨૦૨૨ના રાજ્યમાં અમલમાં આવ્યો હતો. આ કાયદાના નિયમો અને નિયમન ૧૩મી, માર્ચ-૨૦૨૪ના રોજ ગેઝેટમાં પ્રસિદ્ધ થઇ અમલમાં આવ્યા છે.
એક્ટમાં કઈ સંસ્થાઓનો સમાવેશ કરાયો છે ? : આ એક્ટ હેઠળ કોઈ માન્યતા પ્રાપ્ત ચિકિત્સા પધ્ધતિ દ્વારા માંદગી, ઈજા, શારીરિક ખોડ, અથવા સગર્ભાવસ્થા માટે નિદાન, સારવાર અથવા સંભાળ રાખવા માટેની જરૂરી તબીબી સેવાઓ પૂરી પાડતા હોય તેવા હોસ્પિટલ, પ્રસૂતિગળહ, નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી, ક્લિનિક, સેનિટોરિયમનો સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં ૨૮મી, નવેમ્બર-૨૦૨૪ની સ્થિતિએ રાજ્યની ૫૫૩૪ આરોગ્ય સંસ્થાઓએ કાયમી રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં ૨૩૨૮ સરકારી, ૩૦૧૫ ખાનગી આરોગ્ય સંસ્થાનો સમાવેશ થાય છે. એ પૈકી પણ ૪૦૧૮ એલોપેથી, ૧૮૫ આયુષ હોસ્પ્ટિલ્સ, ૪૩૭ હોમિયોપેથી, ૭૭ ડેન્ટલ ક્લિનિક, ૧૦૮ ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલનો છે.
રોગોના નિદાન અથવા તેની સારવાર માટે લેબોરેટરી અથવા અન્ય તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજિકલ, બેક્ટેરિયોલોજી, જેનેટિક, રેડિયોલોજિકલ, રાસાયણિક, જૈવિક તપાસ અથવા અન્ય રોગનિદાન સેવાઓ અપાતી હોય અને તેનું સરકાર અથવા સરકારના વિભાગ, જાહેર અથવા ખાનગી ટ્રસ્ટ, કેન્દ્રીય, પ્રાંતીય (પ્રોવિન્શિયલ) અથવા રાજ્ય અધિનિયમ હેઠળ રજિસ્ટર થયેલું હોય સહિતનાને એક્ટની જોગવાઇ લાગુ પડે છે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
