<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

ગુજરાતમાં ૭મી સુધી કડકડતી ઠંડીની શકયતા ઓછીઃ ૨૦મી બાદ ભુકકા બોલાવશે

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સહિત રાજ્‍યભરમાં શુષ્‍ક હવામાનની સંભાવના

 

અમદાવાદ તા.રઃ ગુજરાતમાં આગામી ૭ દિવસ માટે હવામાન વિભાગે ઠંડીને લઈ આગાહી કરી છે. જેમાં રાજયમાં ઠંડીનો ચમકારો વધતો જાય છે, ત્‍યારે સવારે ઠંડી અને બપોરે ગરમીનું બેવડી ઋતુનો અહેસાસ થાય છે. રાજ્‍યમાં અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં રાત્રીનું તાપમાન ૧૫.૪ ડિગ્રી પહોંચ્‍યું હતું. તેમજ રવિવારે રાજ્‍યમાં ઠંડા પવનની લહેર વર્તાઈ હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી સાત દિવસમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સહિત રાજ્‍યભરમાં શુષ્‍ક હવામાનની સંભાવના છે. અમદાવાદ સહિતના વિસ્‍તારોમાં વહેલી સવારે ઠંડા પવનની અસર વર્તાઈ હતી. બીજી તરફ, રાત્રી અને વહેલી સવારના સમયે ઠંડુ વાતાવરણ રહે છે. જેમાં ૨૯મી નવેમ્‍બરની રાત્રે અમદાવાદમાં ૧૬ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

રાત્રે ૧૫.૪ ડિગ્રી તાપમાન પહોંચ્‍યું હતું. આમ રાત્રીના સમયે તાપમાનમાં ઘટાડો થતો જોવા મળે છે. હવામાન નિષ્‍ણાતોના મતે અમદાવાદમાં ડિસેમ્‍બરમાં પણ પ્રથમ આઠ દિવસ કડકડતી ઠંડી પડવાની સંભાવના નહીંવત્‌ છે. હવામાન વિભાગ મુજબ, આગામી સાતમી ડિસેમ્‍બર સુધી લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રીની આસપાસ જ રહી શકે છે. આ પછી પારો તબક્કાવાર ઘટવા લાગતાં ઠંડીમાં વધારો અનુભવાશે. ૨૦મી ડિસેમ્‍બર બાદ પારો ૧૧ ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે

(4:43 PM IST)