News of Tuesday, 3rd December 2024
સુરતના અડાજણમાં સિટી બસના ડ્રાઈવરે મોપેડને ટક્કર મારી:મહિલા પર ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ મોત
અડાજણ સ્થિત શ્રીરામ પેટ્રોલ પંપ ત્રણ રસ્તા નજીક ઈલેક્ટ્રિક સિટી બસે દિવ્યાબેનના મોપેડને ટક્કર મારી:અકસ્માતમાં દિવ્યાબેન રોડ પર નીચે પટકાયા જ્યાં બસનું ટાયર તેમના પરથી ફરી વળ્યું હતુ

સુરત શહેરમાં અકસ્માતના બનાવોમાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જેમાં અનેક નિર્દોષ નાગરિકો મોતને ભેટી રહ્યા છે. એવામાં આવો જ વધુ એખ બનાવ અડાજણ વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં સિટી બસે અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલાનું મોત નીપજ્યું છે.
આ અંગે મળતી વિગત મુજબ, શહેરના જહાંગીરાબાગ વિસ્તારમાં રહેતા દિવ્યાબેન કમલેશભાઈ સોની (42) આજે પોતાની દીકરીને શાળાએ મૂકવા ગયા હતા. જ્યાંથી મોપેડ પર ઘર તરફ પરત ફરી રહ્યા હતા.
આ દરમિયાન અડાજણ સ્થિત શ્રીરામ પેટ્રોલ પંપ ત્રણ રસ્તા નજીક ઈલેક્ટ્રિક સિટી બસે દિવ્યાબેનના મોપેડને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં દિવ્યાબેન રોડ પર નીચે પટકાયા હતા. જ્યાં બસનું ટાયર તેમના પરથી ફરી વળ્યું હતુ.
આ અકસ્માતમાં ગંભીર ઈજા થતાં દિવ્યાબેનનું ઘટના સ્થળે જ મોત થયું હતુ. જ્યારે અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બીજી તરફ આ અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો પોલીસે દિવ્યાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવરની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
