તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Tuesday, 3rd December 2024
એકતાનગર ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણી અતર્ગત નર્મદાનો તટ ઉજવે સંસ્કૃતિના રંગ થીમ આધારિત કાર્યક્રમ યોજાયો
જાણીતા ગુજરાતી હાસ્યકલાકાર અને લોકસાહિત્યકાર સાંઈરામ દવેની સંગીત સંધ્યા સાથે સાહિત્ય રસની શાનદાર પ્રસ્તુતિ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને નર્મદા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે શનિવારની સંધ્યાએ એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણી અતર્ગત "નર્મદાનો તટ ઉજવે સંસ્કૃતિના રંગ" થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાંઇરામ દવેએ ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર અને અંગ્રેજોના અન્યાય સામેની લડત-આંદોલન વિશે અને લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવનના પ્રસંગોની ઝાંખી, સાદગી, એકતા, અખંડિતતાના પ્રસંગોની વાતો કરી ઉપસ્થિત શ્રોતાઓને પ્રેરણા પુરી પાડી હતી. સાથોસાથ રાજપીપલાના કૃષ્ણપ્રેમી કવિ સત્તારસાહ બાપુના લખેલા રાધા, કૃષ્ણના ભજનો ગાઇ અમે આગળ વધ્યા છે. તેમ જણાવી તેમનો ભગવાન પ્રત્યેનો આદરભાવ પ્રગટ કર્યો હતો.
આદિવાસી મેવાસી મંડળ દ્વારા મેવાસી નૃત્ય તેમજ સાગબારાની આદિવાસી યુવા ટીમ દ્વારા આદિવાસી લોકનૃત્યની શાનદાર રીતે જોશભેર સ્ટેજ પર પ્રસ્તુત કરીને સ્ટેજને પણ હલાવી મૂક્યું હતું.
સાંઈરામ દવે દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો કસુંબીનો રંગ, ગણેશ વંદના, શિવ વંદના, મહાકાળી માતાનો ગરબો, દેશ ભક્તિના ગીતો, મીલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા, રામ મેરે ઘર આના, રાધા કૃષ્ણના ભક્તિ ગીતો સાથે હાસ્ય અને સાહિત્યનું સુંદર રસપાન કરાવ્યું હતું. લોકોના મન અને દિલડાને ડોલાવે તેવી અદભુત રચના પ્રસ્તુત કરી હતી.
કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જનજાતિય સમુદાયના ઉત્થાન માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના વિકાસમાં પ્રધાનમંત્રી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી પ્રવાસન ક્ષેત્રે વિશ્વ ફલક સુધી વિસ્તારી આ વિસ્તારની કાયાપલટ કરી છે. ત્યારે આ કાર્યક્રમના માધ્યમથી રાજ્યના આદિવાસી કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક વારસાને પણ અકબંધ રાખી ઉજાગર કરવાનો એક સકારાત્મક અભિગમ દાખવાયો છે તેને બિરદાવ્યો હતો.
નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીએ ઉપસ્થિત મહાનુભાવો અને કલાકારો અને ઉપસ્થિત જનતાનું શાબ્દિક સ્વાગત કરીને આવકાર્યા હતા અને વહીવટીતંત્ર દ્વારા આયોજિત પારિવારિક કાર્યક્રમને આનંદ-ઉત્સાહ સાથે માણવા માટે અપિલ કરી હતી.
આ પ્રસંગે નાદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલને બિરદાવી આદિવાસીઓના ઇતિહાસ, લોકકલા, સંસ્કૃતિને ઉજાગર કરવાની ભાવનાને બિરદાવી હતી અને મુખ્યમંત્રી દ્વારા ડાંગ ખાતેથી ૧૫મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાના જન્મદિવસે આદિવાસી જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીની પણ સરાહના કરી હતી અને આદિવાસીઓના વિકાસમાં રાજ્ય અને કેન્દ્રની સરકાર પૂરતું ધ્યાન આપીને આદિવાસીઓને મુખ્યધારામાં લાવવાના પ્રયાસો માટે કટિબધ્ધ છે અને આજે એકતાનગર ખાતે યોજાયેલા કાર્યક્રમની સુંદર પ્રસ્તુતિને પણ વખાણી હતી
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
