<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

અમદાવાદમાં હવેથી ઑટો ડ્રાઈવર મુસાફર પાસેથી વધુ ભાડું નહીં વસૂલી શકે:રિક્ષામાં મીટર ફરજિયાત

જો કોઈ મીટર વગરની રિક્ષા પકડાશે તો પહેલી વખત દંડ વસૂલવામાં આવશે. બીજી વખત પરમિટ કેન્સલ કરવા સાથે રિક્ષા ડિટેઈન પણ કરાશે: અમદાવાદ પોલીસ કમિશનરનો હુકમ

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ઓટો રિક્ષાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી 1 જાન્યુઆરીથી તમામ ઓટો રિક્ષામાં મીટર ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. જો કોઈ રિક્ષા મીટર વગર પકડાશે, તો તેને દંડ ફટકારવામાં તેમજ વાહન ડિટેઈન પણ કરવામાં આવી શકે છે.

આ અંગે વિગતો આપતા પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું કે, છેલ્લા ઘણાં સમયથી રિક્ષા ચાલકો પેસેન્જર પાસેથી મનફાવે તેમ વધારે ભાડું વસૂલતા હોવાની ફરિયાદો અમને મળતી હતી. રિક્ષા ચાલકો વ્યાજબી ભાડું વસૂલે, તે માટે કોઈ સિસ્ટમ અત્યારે નથી. જેથી અમે આગામી 1 જાન્યુઆરીથી શહેરમાં ફરતી તમામ રિક્ષા પર મીટર ફરજીયાત કરવાનો નિર્ણય લીધો છે.

 

આવતા મહિનેથી જો કોઈ રિક્ષા મીટર વિના દેખાશે, તો પહેલી વખત દંડ વસૂલવામાં આવશે. જ્યારે બીજી વખત આજ રિક્ષા મીટર વિના પકડાશે, તો ડ્રાઈવરની પરમિટ કેન્સલ થઈ જશે અને રિક્ષા પણ ડિટેઈન કરવામાં આવી શકે છે.

આ બાબતે પોલીસ કમિશનરે શહેરના તમામ ઑટો રિક્ષાના ડ્રાઈવર તેમજ ઑનરને અપીલ કરતા જણાવ્યું કે, અત્યારે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે. આથી તમે વેળાસરથી મીટર લગાવી દો.

  અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના રસ્તા પર અત્યારે અંદાજે અઢી લાખથી વધુ રિક્ષાઓ ફરી રહી છે. જે મુસાફરોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવે જેમ કે પરમિટને લઈને કડક કાયદો, ગેસના ભાવમાં વધારો, ત્યારે રિક્ષા ચાલક યુનિયન આંદોલનનો માર્ગ અપનાવે છે. હવે પોલીસ કમિશનર દ્વારા 1 જાન્યુઆરીથી ફરજીયાત મીટરનો કડક અમલ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

  વધુમાં તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં દર વર્ષે રિક્ષાનું RTOમાં રિન્યુઅલ કરવામાં આવે છે. આ સમયે ઑટો ડ્રાઈવર મીટર લગાડીને જાય છે. જેથી તેઓની પરમિટ પાસ થઈ જાય છે. જો કે એક વખત પરમિટ પાસ થયા બાદ તેઓ મીટરનો ઉપયોગ નથી કરતાં અને પેસેન્જર પાસેથી વધુ ભાડું વસૂલે છે. આથી જ અમે 1 જાન્યુઆરીથી રિક્ષામાં મીટર ફરજિયાતના નિર્ણયનો કડક અમલ કરવાના છીએ.

(11:18 PM IST)