<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

અમદાવાદમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા હવે નહીં બચે: AI બેઝ્ડ ડેશ કેમ ફોટા પાડીને મોબાઈલ પર મેમો મોકલશે

ટ્રાફિક પોલીસ દ્વારા 32 વ્હીકલમાં AI બેઝ્ડ 'ડેશ કેમ' ઈન્સ્ટોલ કરાયા : 28 પોલીસ કૉન્સ્ટેબલને પણ 'મુવિંગ ડેશ કેમ' ફાળવાયા

અમદાવાદ :હવેથી અમદાવાદમાં રૉંગ સાઈડમાં વાહન હંકારવું, ટૂ-વ્હીલર પર ત્રિપલ સવારીમાં જવું, તેમજ હેલ્મેટ વિના મુસાફરી કરવી, જેવા ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોનું આવી બનવાનું છે. અત્યાર સુધી પોલીસ દરેક ચાર રસ્તા પર વાહન ચેકિંગ કરીને તેમજ CCTVના આધારે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવતો હતો. જો કે આજથી અમદાવાદ પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) બેઝ્ડ ડેશ કેમ મદદથી મેમો આપવાની શરૂઆત કરી છે.

 અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આજે AI બેઝ્ડ ઈન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લૉન્ચ કરવામાં આવી છે. જેમાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 32 વ્હીકલમાં AI બેઝ્ડ 'ડેશ કેમ' ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ સાથે જ 28 પોલીસ કૉન્સ્ટેબલને પણ 'મુવિંગ ડેશ કેમ; ફાળવવામાં આવ્યા છે.

 

આ તમામ ડેશ કેમ AI બેઝ્ડ છે, જે લાઈવ વીડિયો રેકોર્ડિંગ કરીને ક્લાઉડ સર્વર પર મોકલશે. હવેથી જો કોઈ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘ કરશે, જેમ કે ત્રિપલ સવારી, ટૂ વ્હીલર પર હેલ્મેટ વિના મુસાફરી કરવી તેમજ રોંગ સાઈડમાં વાહન હંકારવું. તો આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા તેમના ફોટા ટ્રાફિકના કંટ્રોલરૂમમાં આવી જશે. જેમાં ગાડીનો રજીસ્ટ્રેશન નંબર પણ હશે.

આ નંબરના આધારે ભારત સરકારના નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના સર્વર પરથી માલિકના નામ, સરનામા અને મોબાઈલ નંબર સહિતની વિગતો મળી જશે. જેમાં રહેલા મોબાઈલ નંબર પર વાહન માલિકને ફોટા સાથેનો મેસેજ જતો રહેશે અને જણાવી દેવામાં આવશે કે, તમે ટ્રાફિકના આ નિયમનો ભંગ કર્યો હોવાથી, તમારે આટલો દંડ ભરવાનો રહેશે.

અગાઉ 5 જેટલા AI બેઝ્ડ 'ડેશ કેમ'નો ઉપયોગ કરીને પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સફળતા મળતા આજે સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

(12:46 AM IST)