News of Thursday, 5th December 2024
નંદેશરી ઔદ્યોગિક વસાહતમાં કંપનીમાંથી એમોનિયા ગેસ લીકેજ: આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફ
ફાઈન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની

નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગેસ લીકેજ થતા ગ્રામજનો તેમજ કામદારોના જીવ તાળવે ચોંટયા છે. ઔદ્યોગિક વસાહતમાં આવેલી સુજાગ ફાઈન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એમોનિયા ગેસ લીકેજની ઘટના બની હતી. ગેસની દુર્ગંધ આસપાસના વિસ્તારમાં ફેલાતા ગ્રામજનો ઘરની બહાર દોડી આવ્યા હતા. કંપનીમાં સેફ્ટીના અભાવે આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે, ત્યારે ગ્રામજનો દ્વારા વહિવટી તંત્ર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.
વડોદરા શહેર જીવતા બોમ્બ ઉપર છે હાલમાં જ રિફાઇનરીમાં એક બાદ એક બે બ્લાસ્ટ થયા બાદ આગની ઘટના બની હતી જેમાં બે કામદારોના મોત થયા હતા. જોકે હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે તેવામાં બુધવારે આશરે 5-30 વાગ્યાની આસપાસ નંદેસરી ઔદ્યોગિક વસાહત જીઆઇડીસીમાં આવેલી ફાઈન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની હતી. એમોનિયા જેવું કોઈ પદાર્થ હવામાં ભળી જતા કંપનીના કામદારો સહિત આસપાસના લોકોને પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડી હતી જેથી આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો ઘરમાંથી બહાર તેમજ કંપનીઓમાં કામ કરતા કામદારો પણ કંપનીની બહાર દોડી આવ્યા હતા.
આ મામલે વધુ માહિતી આપતા એક ગ્રામજને જણાવ્યું હતું કે, નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં 5-30 વાગ્યાની આસપાસ સુજાગ ફાઈન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એમોનિયા જેવું કંઈક ગેસ નીકળ્યો હતો. જેની અંદર જાણ કરી તો પેકિંગ ફાટી ગયું અને આ પેકિંગ ફાટવાથી બજારમાં અને આજુબાજુની કંપનીઓમાં ભાગદોડ મચી ગઈ હતી.
ગ્રામજનોએ કહ્યું કે, પોલ્યુશન વિભાગના અધિકારીઓ અને એસોસિએશનના અધિકારીઓએ આ નંદેસરી જીઆઇડીસીમાં વારંવાર આવી ઘટનાઓ બની રહી છે તેને અટકાવવા કોઈ પગલાં લેવા જરુરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ જો આવી ઘટનાઓ નહીં અટકે તો આ નંદેસરી જીઆઇડીસીમાં એક દિવસ બહુ મોટો બ્લાસ્ટ થશે અને બહુ મોટી હાનિ થી શકે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, જે યુનિટ ખતરનાક પ્રોડક્ટ બનાવે છે. એની પર એક્શન લઈ અને તેની પર તાત્કાલિક નિયંત્રણ કરવામાં આવે તે જરુરી છે.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
