News of Thursday, 5th December 2024
વડોદરા-જામનગરમાં હૈદ્રાબાદવાળી : પુષ્પા-ટુમાં હંગામો-તોડફોડ
સવારના શો બંન્ને જગ્યાએ મોડા શરૂ થતા પોસ્ટર ફાડયા, ફર્નિચરમાં તોડફોડ કરીને આક્રોશ ઠાલવ્યો

જામનગર : પુષ્પા-ટુ ફિલ્મના શો સમયે જામનગરમાં હોબાળો મચતા પોલીસ કાફલો દોડી ગયો હતો. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર) (૪.૨૭)
રાજકોટ, તા., પઃ જામનગર અને વડોદરામાં પુષ્પા-ટુ ફિલ્મના શોમાં હોબાળો થતા અને તોડફોડ કરાતા પોલીસ કાફલો દોડી ગયો હતો.
વડોદરના માંજલપુર ઇવા મોલમાં પ્રીમિયર શો ૮.૩૦ કલાકનો હતો. ફિલ્મ સમયસર શરૂ ન થતા દર્શકોએ હોબાળો કર્યો હતો. વડોદરા PVRમાં ર્મોનિંગ શોમાં દર્શકોએ દેકારો કરતા પોલીસ બોલાવવી પડી હતી અને રિફંડની માંગણી કરવામાં આવી હતી. આ થિયેટરમાં વડોદરાના ફિલ્મ રસિકો વહેલી સવારનો ૬ વાગ્યાનો શો જોવા માટે ઊંચા ભાવની ટિકિટ લઈને પહોંચ્યા હતા. સવારે ૬ વાગ્યાનો શો બે કલાક મોડો શરૂ થતાં પ્રેક્ષકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા પ્રેક્ષકો થિયેટરમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા થિયેટરના સંચાલકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પ્રેક્ષકોની રજૂઆત સાંભળી હતી. પ્રેક્ષકોની રજૂઆત સાંભળ્યા બાદ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પ્રેક્ષકોએ બે કલાક મોડા શરૂ થયેલા શોના કારણે રિફંડની માંગણી કરી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગરના પીવીઆર સિનેમામાં પુષ્પા-૨ ફિલ્મના પ્રીમીયર શો માં પ્રેક્ષકો દ્વારા હંગામો મચાવવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.આજે દેશભરમાં પુષ્પા-૨ ફિલ્મનો પ્રીમિયર શો યોજાયો હતો.
રસપ્રદ બાબત એ છે કે ફિલ્મોના સામાન્ય રીતે યોજાતા શોના ટાઈમ કરતા વિશિષ્ટ એવો સવારના સાત વાગ્યાનો શો આખા દેશમાં રાખીને ફિલ્મ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
જામનગરમાં પણ ચલચિત્ર પ્રેમીઓએ અગાઉથી ટિકિટો બુક કરીને હાઉસફુલ ઓડિયન્સ આપ્યું હતું પરંતુ કોઇ પણ કારણોવશાત ફિલ્મ શરૂ ન થતાં પ્રેક્ષકોએ હંગામો મચાવી હતી અને થિયેટરમાં પોસ્ટર સહિતના ફર્નિચરની તોડફોડ મચાવી હતી. સિનેમાના વ્યવસ્થાપકો દ્વારા પોલીસને જાણ કરાતાં તેમણે સ્થળ પર આવીને મામલો કાબૂમાં લીધો હતો.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
