<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

સુરતના પાંડેસરામાંથી 10 પાસ બેકારોને બોગસ તબીબની ડિગ્રી આપવાના રેકેટનો થયો પર્દાફાશ:13 લોકોની ધરપકડ

ડિગ્રી વગર ડૉક્ટર બની લોકોની જિંદગી સાથે ચેડાં કરતા 10 બોગસ તબીબોને તથા તેઓને બોગસ ડિગ્રી બનાવી આપનાર 3 શખ્શો મળીને કુલ 13 લોકોને પોલીસે પકડી પાડ્યા

સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ડિગ્રી વગર ડૉક્ટર બની લોકોની જિંદગી સાથે ચેડા કરતા કુલ 10 બોગસ તબીબોને તથા તેઓને બોગસ ડિગ્રી બનાવી આપનાર કુલ 3 શખ્શો મળીને કુલ 13 લોકોને પોલીસે પકડી પાડ્યા છે.

પાંડેસરા વિસ્તારમાંથી 3 અલગ અલગ સ્થળોએ બોગસ તબીબો દ્વારા ક્લીનીકો ખોલી લોકોની જિંદગી સાથે ચેડા કરવામાં આવી રહેલ હોવાની બાતમી મળી હતી. જેના આધારે પાંડેસરા તુલસીધામ સોસાયટીના પ્લોટ નં.330 માં આવેલ 'કવિતા કલીનીક', ઈશ્વરનગરના પ્લોટ નં.217 માં આવેલ 'શ્રેયાન કિલનીક' અને કૈલાશ ચોકડી પાસે આવેલ રણછોડનગરના પ્લોટ નં.145 માં 'પ્રિન્સ કલીનીક' માં રેઇડ કરી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતા આરોપીઓ શશીકાંત મીશ્રી મહંતો (ઉ.વ. 44 રહે. પાંડેસરા, સુરત મૂળ રહે. જી-બેગુસરાઇ બિહાર), સિધ્ધાર્થ દેવનાથ (ઉ.વ.38 રહે. પાંડેસરા સુરત મૂળ નદીયા, વેસ્ટ બંગાલ), પાર્થ દેબનાથ (ઉ.વ.38 રહે. પાંડેસરા સુરત મૂળ નદીયા, વેસ્ટ બંગાલ)ને ઝડપી પાડી તેના ક્લીનીકમાંથી ઇલેક્ટ્રો હોમિયોપેથિક, એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, સિરપ તેમજ B.E.M.S. ની ડિગ્રી/સર્ટી. મળી કુલ્લે કિ.રૂ.55,210/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

આ આરોપીઓની પૂછપરછ કરતાં સામે આવ્યું કે, રસેષ વિઠલદાસ ગુજરાથી ગોપીપુરા ખાતે 'ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલ કોલેજ' ના નામથી ઇલેક્ટ્રો હોમિયોપેથીનો કોર્સ કરાવે છે. તેઓ BEMSની ડિગ્રી/સર્ટીફિકેટ માટે ફકત ધોરણ-10 પાસ કરેલ લોકો પાસેથી રૂ.75,000/- ફી લઇ બોર્ડ ઓફ ઇલેકટ્રો હોમિયોપેથિક મેડીસીન, અમદાવાદ ખાતેથી BEMSની ડિગ્રી/સર્ટીફિકેટ અપાવે છે.

આ બાતમીના આધારે પોલીસની ટીમ અને આરોગ્ય અધિકારીની ટીમ સાથે રસેષ વિઠલદાસ ગુજરાથી (રહે.રાંદેર રોડ, સુરત)ને સાથે લઇ તેના ઘરે રેઇડ કરતાં જેના ઘરેથી રજીસ્ટ્રેશન ફોર્મ, ડૉકટરોની રજીસ્ટ્રેશનનું રજીસ્ટર, માર્કશીટ, BEMS ડિગ્રીનું એપ્લીકેશન ફોર્મ, ડૉ.બી.કે.રાવતનાઓએ આપેલ નોટીસ, હાઇકોર્ટના ઓર્ડર, આઇકાર્ડ સાથેના સટીફિકેટ-7, કોરા સટીફિકેટ-5, સર્ટીફિકેટની ઝેરોક્ષ-15 થી વધારે, રીન્યુઅલ ફોર્મ-8 દસ્તાવેજ મળી આવ્યા હતા.

જેના આધારે રસેષ વિઠલદાસ ગુજરાથીની સઘન પૂછપરછ કરતા એવી હકિકત જણાય આવેલ કે, તેણે સને-2002માં ગોપીપુરા કાજીના મેદાન, રત્ન સાગર સ્કૂલની સામે 'ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલ ટ્રસ્ટ'ની સ્થાપના થયેલ હતી. આ ટ્રસ્ટના અંડરમાં 'ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલ કોલેજ' ની પણ સ્થાપના કરેલ. જે બાદ તેને અનુભવ થયેલ કે, લોકો ઇલેક્ટ્રો હોમિયોપેથીનો પ્રોપર ત્રણ વર્ષ અભ્યાસ કરવામાં રસ ધરાવતા નથી અને ઇલેક્ટ્રો હોમિયોપેથીનો અભ્યાસ અને સારવાર બહુમત મહેનતનું કામ છે અને લોકોમાં પણ ઇલેક્ટ્રો હોમિયોપેથી માટે જાગૃતતા નથી.

આથી લોકો પણ ઇલેક્ટ્રો હોમિયોપેથી પાસે સારવાર કરાવતા નથી અને જેથી તેઓ સતત નુકશાનીમાં ચાલતા હતા. જેથી તેણે તથા ડૉ.બી.કે.રાવતે પૈસા કમાવવા માટે BEMSના અભ્યાસ માટે કોઇપણ માણસને કોઇપણ અભ્યાસ વગર એડમિશન આપી તેઓની પાસેથી રૂ.75,000/- ફી લઇ એક અઠવાડિયા પછી BEMS ડિગ્રી, માર્કશીટ, રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ અને આઇકાર્ડ આપી દેતા હતા

આ સાથે તેઓ ડિગ્રી ધારકને બાહેધરી આપતા કે, તમે કલિનીક/ દવાખાનું ચલાવવામાં કોઇ મુશ્કેલી પડે તો અમે તમને મદદ કરશું તેમજ ઇમરજન્સી હોય તો તમે મને કે અમારી સંસ્થાને મોબાઇલ ફોન પર સંપર્ક કરી શકશો અને તમે એલોપેથીક, આયુર્વેદીક, હોમિયોપેથિકની દવા પણ આપી શકશો.

અમારી પાસેથી BEMS ડિગ્રી મેળવેલ ડૉક્ટરના રેફરન્સથી તેઓ બીજા લોકોને મોકલતા હતાં. તે ડૉકટરને 5 હજાર રૂપિયા કમિશન આપતા હતાં. રસેષ વિઠલદાસ ગુજરાથી અને ડૉ.બી.કે.રાવત નાઓએ મળીને બોર્ડ ઓફ ઇલેકટ્રો હોમિયોપેથિક મેડીસીનના નામે આશરે એક હજારથી વધારે લોકોને BEMSની બોગસ ડિગ્રી આપેલ છે અને તેઓએ અમારી સ્કૂલમાંથી કોઇપણ પ્રકારનો અભ્યાસ કે ટ્રેનીંગ લીધેલ નથી.

ડૉ.બી.કે.રાવતનાઓ BEMS ની ડિગ્રી/સર્ટીફિકેટને સાચા જેવું લાગે તે માટે તેની ડિઝાઇન સારી કરી તેના પર ડૉ.બી.કે.રાવત અને બોર્ડનું સ્ટીકર લગાડતા હતાં. ડૉ. બી.કે.રાવતનાઓએ behmgujarat.com નામની વેબસાઇટ તૈયાર કરેલ અને તેમાં BEMS ની ડિગ્રી/સર્ટીફિકેટ લઇ જનાર વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન કરતા હતાં. જેથી BEMS ની ડિગ્રી બોગસ છે તેની કોઇ જાણકારી થતી ન હતી.

આ રસેષ ગુજરાથી અને બી.કે.રાવતનાઓએ બે પ્રકારના મોડલ તૈયાર કરેલ જેમાં પહેલા મોડલમાં તેઓ ડૉકટરને BEMS ની ડિગ્રી રૂ.70,000/- માં આપતા હતાં તેઓની કલિનીક ચલાવવાની, દવા લેવા અને પ્રેક્ટીશ કરવાની જવાબદારી ડૉકટર પર રહેતી હતી. આ ડૉકટરે પાસે તેઓ રજીસ્ટ્રેશન માટે દર વર્ષે રૂ.1,500/- અને એઓશિયેશન ફી ના રૂ.1,500/- મળી કુલ્લે રૂ.3,000/- ની ઉઘરાણી કરતા હતાં.

બીજા પ્રકારના મોડલમાં તેઓ ડૉકટરને BEMS ની ડિગ્રી રૂ.70,000/- માં આપતા હતાં અને દર માસે તેઓની પાસેથી રૂ.5,000/- પ્રોટેકશન અને માર્ગદર્શન માટે લેતા હતાં. તેમજ આ બંને પ્રકારના મોડલમાં કોઇ ડૉકટરપૈસા આપવાની ના પાડે તેઓની પાસે ઇરફાન ઇસ્માલ સૈયદ અને શોભીતસિંગ મહિપાલસિંહનાઓ જઇ તેઓને પોલીસ કે આરોગ્યના નામે ડરાવી ધમકાવીને પૈસાની માંગણી કરતાં હતાં.

આમ છતાં કોઇ પૈસા આપવાની ના પાડે તો ડૉ.બી.કે.રાવતનાઓ એક નોટિસ જે તે ડોકટરને આપતા જેથી રસેષનાઓ જેતે કલિનીક પર જઇ તેના ડૉકટરને પોલીસ કે આરોગ્યના નામે ડરાવી ધમકાવી તેઓની ડિગ્રી રદ્દ કરવાની ધમકી આપી તેઓની પાસેથી પૈસા ઉધરાણી કરતો હતો.

આ ડૉ.બી.કે.રાવતનાઓની ઓફીસ અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી છે. જેથી પોલીસ અધિકારી/કર્મચારીની તથા આરોગ્ય વિભાગની ટીમ અમદાવાદ ખાતે મોકલી ભૂપેન્દ્ર S/o સુરજભાન રાવત (ડૉ.બી.કે.રાવત) નાઓને સાથે રાખી રેઇડ કરવામાં આવી હતી. જ્યાં તેની ઓફિસમાંથી ખાલી ડિગ્રી નંગ-10, તૈયાર ડિગ્રી-30, એપ્લીકેશન ફોર્મ-160, આઇકાર્ડ નંગ-12, વેબસાઇટમાં રજીસ્ટ્રર ડિગ્રી ધારક-1250 જેટલા, ઓફીસમાંથી મળેલ રજીસ્ટ્રરમાં રજીસ્ટ્રેશન થયેલ ડૉકટર-1630 જેટલા તથા અન્ય દસ્તાવેજો મળી આવેલ હતાં.

જે આધારે ભૂપેન્દ્ર S/o સુરજભાન રાવત (ડૉ.બી.કે.રાવત) નાઓની પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, આ રસેષ ગુજરાથી સાથે મારી રાજીવ ગાંધી ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડીકલ કોલેજમાં મુલાકાત થઈ હતી, ત્યારે તેમની સંસ્થાના વિદ્યાર્થીઓને બોર્ડ ઓફ ઇલેકટ્રો હોમિયોપેથિક મેડીસીન,અમદાવાદ ખાતેથી BEMS ડિગ્રી આપતા હતાં.

સને-2002 પછી તેણે તથા રસેશ ગુજરાથીનાઓએ પૈસા કમાવવા સારૂ કોઇપણ લોકોને કોઇપણ પ્રકારની ટ્રેનીંગ વગર અને પરીક્ષા લીધા વગર તેઓનું રજીસ્ટ્રેશન કરી BEMS ની ડિગ્રી/સર્ટીફિકેટ, માર્કશીટ, આઇકાર્ડ કુરીયરથી રસેષ વિદ્યાર્થીઓને કુરીયરથી મોકલી આપતો હતો. આ રસેષ ગુજરાથીનાઓ ડૉ.બી.કે.રાવતને BEMS ની ડિગ્રીની કુલ ફી માંથી 30% રૂપિયા આપતો હતો.

ડૉ.બી.કે.રાવતની બોર્ડ ઓફ ઇલેકટ્રો હોમિયોપેથિક મેડીસીનનાઓએ આજદીન સુધી 1400 થી 1500 જેટલા લોકોનું રજીસ્ટ્રેશન કરી BEMS ની ડિગ્રી/સર્ટીફિકેટ આપેલ છે. તે રીતેની હકિકત તપાસ દરમ્યાન જણાય આવેલ છે. એકદર સમગ્ર તપાસ દરમ્યાન ગુનાના મુખ્ય આરોપીઓ ઇલેક્ટ્રો હોમિયોપેથી ચિકિત્સા પ્રધ્ધતી વિશે B.E.M.S. ની ડિગ્રી ધારકોને એકપણ કલાકની ટ્રેનીંગ આપતા ન હતાં. આ લોકો પાસે ઇલેક્ટ્રો હોમિયોપેથીની ટ્રેનિંગ આપવા માટે રૂમ, હોલ કે કોઇપણ પ્રકારના સાધન સામગ્રી પણ ન હતી.

આ ઉપરોકત કાર્યવાહી ચાલુ હતી ત્યારે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે સપ્ટેમ્બર/2024 માં ખોટી મેડીકલ પ્રેકટીશ કરવાનો ગુનો દાખલ થયો હતો, તે વ્યક્તિ વિજયકુમાર બાબુલાલ યાદવ (ઉ.વ.52 રહે પ્લોટ નં.110 શક્તિનગર સોસાયટી બમરોલી રોડ પાંડેસરા સુરત મુળવતન ગામ મીશ્રાપુર, થાના-ફુલપુર,જી-પ્રયાગરાજ (ઉત્તરપ્રદેશ)) નાઓ પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરીયાદમાં જણાવ્યું કે, આરોપી-રશેષ ગુજરાથી અને ઇરફાન સૈયદનાઓએ ભેગા મળી એકસંપ થઇ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારૂ ગુન્હાહીત કાવતરૂ રચી ઇલેક્ટ્રો હોમિયોપેથીની ડિગ્રી વગર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કોઈ અધિકૃત યુનિવર્સીટીમાં માન્યતા આપેલ ન હોય તેવી B.E.M.S. સર્ટીફીકેટ બનાવી આપી તેઓએ આયુષ વિભાગના નામે ખોટી બનાવેલ રજીસ્ટર્ડ વેબસાઇડ behmgujarat.com પર અપલોડ કરી.

ફરીયાદી- વિજય યાદવ અને બીજા લોકોને ઇલેક્ટ્રો હોમીયોપેથીની B.E.M.S. ની ડિગ્રી આધારે એલોપેથિક દવા આપી પ્રેકટીશ કરી શકશે તેવો વિશ્વાસ આપી છેતરપિંડી કરી. આ સર્ટીફિકેટ રિન્યુ કરાવવાની અને નહીં કરીએ તો પ્રેકટીસનુ સર્ટીફિકેટ કેન્શલ થઇ જશે અને પોલીસ અને આરોગ્ય વિભાગની સમસ્યા આવે તો ફોન કરવો નહી તેમ કહી ધમકી આપી બળજબરી પુર્વક રૂપિયાની ઉઘરાણી કરી હતી.

  જો તમારે કલિનીક ચલાવુ હોય તો રૂપિયા આપવા પડશે અને અમારી અંડરમાં રહેવુ પડશે નહીતર જાન ખોવાનો વારો આવશે તેવી ધમકી આપેલ આપી બળજબરી પુર્વક રૂપીયા પડાવી લીધા હતા. આ બનાવ બાબતે અત્રેના પાંડેસરા પો.સ્ટે.માં ગુ.ર.નં.11210045245178/2024 બી.એન.એસ. એક્ટ 2023ની કલમ-318(4),308(5)61, 3(5) મુજબનો ગુનો તા.05/12/2024 ના રોજ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે

(7:29 PM IST)