<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

રાજપીપળા કન્યાશાળા કમ્પાઉન્ડમાં કરેલ બાંધકામ ગેરકાયદેસર : પાલિકાની નોટીસ બાદ પણ વિભાગ બિંદાસ્ત

જે બાંધકામ કર્યું છે તે રોડ માર્જિન છોડ્યા વિના કરવામાં આવ્યું છે અને આંગણવાડી માટે પણ માર્ગ રાખ્યો ન હોવાનો નોટીસમાં ઉલ્લેખ:પાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં પરવાનગી લેવામાં નહી આવતા પાલિકા ના મુખ્ય અધિકારી હવે ત્રીજું નેત્ર ખોલે તો નવાઈ નહી

(ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં સ્ટેશન રોડ પર આવેલી ઝાંસી કી રાની કન્યા શાળા કંમ્પાઉન્ડમાં બનતી કચેરી દ્વારા બાંધકામ થઈ રહ્યું છે. આ બાંધકામ રાજપીપલા નગર પાલિકાની બાંધકામ પરવાનગી વિના થઈ રહ્યું હોય પાલિકા દ્વારા વારંવાર આ મુદ્દે નોટિસ આપવા છતાં આ વિભાગે કોઈજ પરવાનગી લેવામાં આવી નથી માટે પાલિકા ના મુખ્ય અધિકારી હવે ત્રીજું નેત્ર ખોલે એમ જણાય છે.

   પાલિકા ટીમે સ્થળ તપાસ કરતાં ત્યાં જે બાંધકામ થયું છે તે રોડ માર્જિન છોડ્યા વિના કરવામાં આવ્યું છે, તેમજ આંગણવાડી માટે માર્ગ રાખ્યો નથી, તેમ છતાં આ કચેરી ના PIU અને એજન્સી દ્વારા નગરપાલિકા સાથે સંકલન કર્યા વિના બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું છે.માટે આ બાંધકામ ગેરકાયદેસર થયું હોવાનું જણાય છે.
   નોટીસમાં જણાવ્યા મુજબ જો આ બિલ્ડિંગમાં ભવિષ્ય માં BU પરમિશન અને Fire NOC આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો નગરપાલિકા આ પરમિશન આપી શકશે નહી. આથી કોઈપણ જાતનો વિલંબ કર્યા વિના નગરપાલિકા પાસે બાંધકામ મંજૂરી મેળવવાની કાર્યવાહી કરવા માટે કચેરી તથા PIU ને કામગીરી કરવા જણાવવા આવ્યું છે.
સાથે સાથે પાલિકા એ BU પરમીશન અને Fire NOC વિના બિલ્ડિંગનો વપરાશ શરૂ નહી કરવા માટે આપની કચેરીથી સૂચના પણ અપાઈ છે. પાલિકા દ્વારા શિક્ષણ વિભાગના પીઆઇયુ ના ઈજનેરો ને વારંવાર આપવામાં આવેલ નોટીસ ની પણ પરવાહ કર્યા વિના અધેધડ બાંધકામ કરી બાળકો ના ભવિષ્ય સાથે ચેડા કરતા હોય એમ લાગે છે.

  પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેએ જણાવ્યું કે આ સરકારી બિલ્ડિંગ છે, ત્યાં સ્કુલ બને છે પણ પાલિકાની પરમિશન બાબતે હું તપાસ કરું છું. જે નિયમોનુસાર થતું હશે એ હું કરીશ.

(10:01 PM IST)