<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

પુત્રને ફેક્ટરી પર ટિફિન આપવા જતા નિવૃત પોલીસ કર્મીને ટેન્કર ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત

સિમેન્ટ ટેન્કરે બાઈકને ટક્કર મારતા હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયા:ટેન્કરના તોતિંગ પૈડાં ફરી વળતા તેમનું ઘટના સ્થળે કરૂણ મોત

વડોદરા જિલ્લામાં બેફામ ગતિએ દોડતા ડમ્પરો અત્યાર સુધી અનેક લોકોને કાળનો કોળીયો બનાવી ચૂક્યા છે અને પોલીસ તંત્ર પણ આવા ડમ્પર ચાલકો પર લગામ લગાવવામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે. એવામાં સાવલી તાલુકામાં બેફામ ગતીએ દોડી રહેલ સિમેન્ટના ટેન્કર ચાલકે પુત્રને ફેક્ટરી પર ટિફિન આપવા જઈ રહેલ બાઈક ચાલક નિવૃત પોલીસ કર્મીને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના સાવલીના હાલોલ સમલાયા રોડ પર આજે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં 65 વર્ષીય નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ દલપતસિંહ ભગતસિંહ પરમાર બાઈક પર સવાર થઇ પુત્રની ફેક્ટરી પર તેને ટિફિન આપવા જઈ રહ્યા હતા.

 

આ દરમિયાન હાલોલ સમલાયા રોડ પર વિફરેલા સાંઢની માફક પૂર ઝડપે આવી રહેલ એક સિમેન્ટ ટેન્કરે તેમની બાઈકને ટક્કર મારતા તેઓ હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયા હતા અને તેમની પર સિમેન્ટની ટેન્કરના તોતિંગ પૈડાં ફરી વળતા તેમનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું.

આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા અને ટેન્કર ચાલકને ઝડપી સાવલી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે ટેન્કર સાથે ચાલકની ધરપકડ કરી અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ ગોઝારો અકસ્માત નિવૃત પોલીસ મોત નિપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

(10:18 PM IST)