<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

નર્મદા ડેમના બે અસરગ્રસ્તો ટાવર પર ચઢતા તંત્ર દોડતું થયું:

પડતર પ્રશ્નોનોનો નિકાલ ન આવતાં યુવાન અને મહિલા મોબાઇલના ટાવર પર ચઢતા તંત્રના શ્વાસ અદ્ધર

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તોની માંગણીઓ પૂરી ન થતાં એક યુવાન અને એક મહિલા મોબાઇલના ટાવર પર ચઢી ગયા હતા ત્યારે જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઇ રહ્યો છે.

  આ બંને મોબાઇલના ટાવર પર ચઢી જતા તંત્ર દોડતું થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે, 2016-17માં સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તો પોતાની સંપાદિત કરેલી જમીનની જગ્યાએ અન્ય સ્થળે જમીન ફાળવવી અને તેમના પરિવાર માંથી એક વ્યકિ્તને નોકરી આપવાની માંગને લઈને પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. તે સમયે તત્કાલીન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત પંડ્યાએ માંગણી સંતોષાશે તેવી ખાતરી આપી પારણા કરાવ્યા હતા.

આ બે અસરગ્રસ્તમાં એકનું નામ દિનેશ પસિયાભાઈ તડવી ગામ, ચિચડિયા વસાહતનાં છે. જ્યારે બીજા નવાગામ લીમડી ચિચડીયા ગામના બબીતાબેન બચુભાઈ તડવી છે. બંને ટાવર પર ચડ્યા ની જાણ થતા જ તંત્ર, પોલીસ વિભાગમાં દોડધામ જોવા મળી હતી. હાલ ફાયર  વિભાગ અને પોલીસ સમજાવટની કોશિશ કરી રહી છે.

સરદાર સરોવર નર્મદા યોજનાના અસરગ્રસ્તની માંગણીઓ ન સંતોષાતા તે ટાવર પર ચડ્યા છે. નોકરી અને અન્ય કેટલાક મુદ્દે તેઓ 2016-17માં હડતાળ પર ઉતર્યા હતા. આ બાબતે એક લેખિત બોર્ડ મારવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે આ પ્રશ્નોને લઈને આ અસરગ્રસ્તો ઉપવાસમાં બેઠા હતા. ત્યારે તત્કાલીન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 15-07-02016નાં રોજ આવ્યા હતા અને 17-07-2017નાં રોજ ભરત પંડ્યા આવ્યા હતા. તેમણે આ લોકોના પારણા કરાવી જણાવ્યું હતું કે, તમારી દરેક માંગણી સંતોષાશે. પરંતુ આ વાતને આઠ વર્ષ વીત્યા છતાં અમારી માંગણી સંતોષાઈ નથી. તે માટે અમે આ ટાવર પર ચડ્યા છીએ. જો માંગણી સંતોષાઈ નહીં તો ટાવર પરથી ઉતરશું નહીં તેમ આ લોકો એ જણાવ્યું હતું.
જોકે જાણવા મળ્યા મુજબ સતત નવ કલાક ચાલેલા આ મુદ્દા માં આખરે તંત્ર ની સમજાવટ બાદ બંને ટાવર પરથી નીચે ઉતરતા સૌએ રાહત નો શ્વાસ લીધો હતો

(10:36 PM IST)