<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

સુરતમાં ચાઈનીઝ દોરીથી યુવાનનું ગળુ કપાઈ જતા મોત

સુરત, તા.૯: ઉત્તરાયણ હજી શરૂ નથી થઇ તે પહેલા રાજ્‍યમાં દર વર્ષની જેમ ચાઇનીઝ દોરી વડે મોત નિપજવાના કિસ્‍સા શરૂ થઇ ગયા છે. જેમાં તાજેતરમાં સુરતમાં ચાઈનીઝ દોરીથી ગળુ કપાતા યુવકનું મોત નિપજ્‍યું હતું. મળતી માહિતી મુજબ સુરત જીલ્લાના કીમ ગામે યુવકનું પતંગની દોરીથી ગળું કપાતા મોત નિપજ્‍યું છે. કીમ રેલવે ઓવરબ્રિજ પર આ ઘટના બની હતી. જેમાં શૈલેષ વસાવા પોતાની પત્‍ની સાથે જઇ રહ્યો હતો. જે દરમિયાન ચાઇનિઝ દોરી તેના ગળામાં આવી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. પત્‍નીને હોસ્‍પિટલથી બતાવીને ઘરે જઇ રહ્યા હતા.

સુરત જીલ્લાના ઉમરપાડા તાલુકાના સરદા ગામમાં રહેતા શૈલેષ વસાવા કંપનીમાં મજૂરી કામ કરી પરિવાર આર્થિક રીતે મદદરૂપ થતા હતા. તેઓને પરિવારમાં પત્‍ની અને બે સંતાન છે. પત્‍નીની તબિયત સારી ન હોવાથી તે પત્‍નીને સારવાર અર્થે કિમ ખાતે હોસ્‍પિટલમાં લઈ ગયા હતા. જે દરમિયાન ઘરે જતી વખતે કિમ બ્રિજ ઉપરથી તેઓ પસાર થઈ રહ્યા હતા અને આ ઘટના સર્જાઇ હતી.

(11:41 AM IST)