<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

૪ હજાર ટન ગુલાબી પથ્‍થરથી બનશે નાગરાદી શૈલીનું ઉમિયા મંદિર

શુક્રવારે મુખ્‍યમંત્રીના હસ્‍તે ખાતમુહુર્તઃ પ ઉંચા ઘુમ્‍મટ અને ૧પ૦૦થી વધુ કલાપૂર્ણ પ્રતિમાઓ અને રૂપકામો : ૩ વર્ષ કામ ચાલશે

રાજકોટ તા.૯: રાજકોટમાં વસતા ચાલીસ હજારથી વધુ કડવા પાટીદારને મા ઉમિયાનું સાનિધ્‍ય સાંપડે અને સમાજના સર્વાગી વિકાસ માટે ૧ર એકરની વિશાળ ભૂમિ પર રચનાત્‍મક અને પર્યાવરણીય ખ્‍યાલ સાથે સમગ્ર પરિસરની ડીઝાઇન કરવામાં આવી છે. શાંતિ, ભકિત અને એકતાનું પ્રતિક એવા ગુલાબી પથ્‍થરમાં ભવ્‍ય પરિસરમાં શ્રી ઉમિયા માતાજી મંદીર ખરા અર્થમાં એક પુર્ણ ભારતીય સનાતન સાંસ્‍કૃતિક પરિસર બનશે.

ઉમિયા માતાજી સંસ્‍થાનના પ્રમુખ અને પ્રોજેકટ ચેરમેનશ્રી અરવિંદભાઇ પટેલે જણાવ્‍યું કે આ મંદિર સોમનાથની વિશાળતા, મોઢેરાની આકર્ષક ભૂમિતિ, ઇલોરાની ચમત્‍કૃતિ, અંગકોરવાટની જાજરમાન ભવ્‍યતા દેલવાડા અને હીરાકુંડની બારીક કોતરણીને ઉજાગર કરતુ આ મંદિર અન્‍ય ભવ્‍ય સાંસ્‍કૃતિક સ્‍મારકોની હરોળમાં ગૌરવવંત ઉભુ રહેશે. આવતા હજારો વર્ષો સુધી સંસ્‍કૃતિની ગાથા ગાતુ રહે એવી સજજતાથી મા ઉમિયાના મહાકાવ્‍યને આ મંદિરમાં કંડારાશે. માત્ર ભારત જ નહી, પરંતુ સમગ્ર વિશ્વને પ્રેરણા આપતુ આ મંદિર આપણી સભ્‍યતાનું અને આપણી સનાતન સંસ્‍કૃતિનું આપણા ભારત દેશનું અને જગતભરનું સીમાચિહન તેમજ માનવ કલ્‍યાણનું પરમધામ બની રહેશે. ૧૩ ડીસેમ્‍બરના ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી આ મંદિરનું ખાતમુહુર્ત કરી શરૂઆત કરાવશે.

ઉમિયા માતાજી સંસ્‍થાન રાજકોટના સંગઠન ચેરમેન અને પ્રોજેકટ ઇન્‍ચાર્જ જણાવે છે કે, મંદિર નિર્માણ એક દિવ્‍ય અને જટીલ પ્રક્રિયા છે. તેમાંય જયારે પ્રાચીન ભારતીય શિલ્‍પશાષાના પવિત્ર આદેશોને અનુસરીને પરંપરાગત સોમપુરી નાગરાદી શૈલીનું પથ્‍થરનું મંદિર રચવાનું હોય છે ત્‍યારે તે વધુ જટીલ બને છે.

ઉમિયા માતાજી મંદિરનો પરિસર સંપુર્ણ મંદિરની ડિઝાઇન પ્રાચીન શિલ્‍પશાષાના નિયમો પ્રમાણે બનાવવામાં આવશે. સંપુર્ણ બાંધકામમાં કોઇપણ જગ્‍યાએ લોખંડનો ઉપયોગ થશે નહીં. ૪૦૦૦ ટન ગુલાબી પથ્‍થર, ૧પ૦૦૦ જેટલા કંડારાયેલા પથ્‍થરોનું સંયોજન, ૭૧ ફુટ ઉંચુ નાગરાદી શૈલીનું પ્રાચીન મા ઉમિયાનું દિવ્‍ય શિખર, ૧૭૦ ફુટ લંબાઇ, ૧૩૦ ફુટ પહોળાઇ, પ ઉંચા ઘુંમટો(સામરાણા) એક સાથે ર૦૦ થી પણ વધારે ભકતો માતાજીના દર્શન કરી શકે તેવા ગુઢ મંડપ, મુખ્‍ય મંદિરની પરીક્રમા થઇ શકે તેવો કોરીડોર, ૩૦૦ કલામંડિત સ્‍થંભો, દેવ સ્‍વરૂપો, દેવી દેવાંગના, કિન્નર, યક્ષ, ગાંધર્વ વિષાચરોની મુર્તિઓ કંડારવામાં આવશે. ૧પ૦૦થી પણ વધારે કલાપુર્ણ પ્રતિમાઓ અને રૂપકામો, ૮૦ જેટલી કલાત્‍મક છતો. નજાકત સભર કમાનો (હિડોલક તોરણો), ગુજરાતના ૩૦૦થી પણ વધારે સોમપુરા શિલ્‍પકારો આ મંદિરના પથ્‍થરોનો હથોડી ટાંકણાથી કંડારશે. મંદિર બાંધકામનું કાર્ય ત્રણ વર્ષમાં પુર્ણ કરવામાં આવશે.

અત્‍યંત આધુનિક ઇન્‍ટરેકટીવ ટેકનોલોજીના માધ્‍યમથી ભારતીય સંસ્‍કૃતિની ભવ્‍યતાને અને તેના સનાતન મુલ્‍યોને માણી શકે તે માટે સાંસ્‍કૃતિક પ્રદર્શન ખંડો, સંશોધન કેન્‍દ્ર, ભવ્‍ય હરીયાળી ઉદ્યાનો સાથે રચનાત્‍મક શિલ્‍પો અને સંગીતમય ફુવારાઓથી મનને શાંત કરી દે તેવું વાતાવરણ ખડુ કરાશે.

ઉમીયાધામ જસવંતપુરના પ્રોજેકટ ચેરમેન અરવિંદભાઇ પટેલ અને ઇન્‍ચાર્જ નિલયભાઇ ડેડાણીયા જણાવ્‍યું કે ભારતીય સ્‍થાપત્‍ય નિર્માણમાં શિલ્‍પશાષામાં એવો ઉલ્લેખ છે કે સર્વ પ્રથમ વસ્‍તુવિધિ શિલાન્‍યાસવિધી કરીને અર્થાત વાસ્‍તુપુરૂષની અને તેની પર બેઠેલા દેવોની અનુમતથી લઇને પછી જ પૃથ્‍વી પર કોઇપણ પ્રકારનું બાંધકામ શરૂ થાય.

આ દિવ્‍ય સર્જનના ખાતમુહુર્તમાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી સહિત ધાર્મિક સંગઠનોના નેતાઓ અનેક મહાનુભાવો અને સમુદાયના અગ્રણી સભ્‍યો હાજર રહેશે. પ્રાચીન ભારતની શિલ્‍પસ્‍થાપત્‍યની પરંપરાને અનુસરીને શાંતીના પ્રતિક એવા ગુલાબી બંસી પહાડપુરના પથ્‍થરોમાંથી સર્જન પામનાર આ મંદિર કલાત્‍મક કોતરકામની ભવ્‍યતાને ઉજાગર કરતું અન્‍ય વિશ્વ પ્રસિધ્‍ધ સાંસ્‍કૃતિક સ્‍મારકોની હરોળમાં ગૌરવવંતુ ઉભું રહેશે.

પ્રાચીન મંદિરો અને સ્‍થાપત્‍યનો ઉંડો અભ્‍યાસ તથા સંશોધન કરીને સનાતન ધર્મના પરંપરાગત અને પ્રમાણભુત સ્‍થાપત્‍ય મુજબ જ રચાતા આ મંદિરના ૧પ૦૦૦થી પણ વધારે પથ્‍થરોને ગુજરાત અને રાજસ્‍થાનના ૩૦૦ થી પણ વધારે સોમપુરા શિલ્‍પકારો દ્વારા કંડારીને રાજકોટ લઇ જવામાં આવશે. ત્‍યાં શિલ્‍પકારો આ પથ્‍થરોને એકબીજામાં સાંકળીને મંદિરનું નિર્માણ કરશે. ગર્ભગૃહમાં પ૧ ઇંચના મા ઉમિયાજીની પ્રતિમાની સ્‍થાપના કરવામાં આવશે અને આજુબાજુના ગર્ભગૃહમાં રાધાકૃષ્‍ણજી અને શિવજીની પ્રતિમા બિરાજમાન કરવામાં આવશે.

(3:28 PM IST)