તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
વડોદરામાં જંત્રીમાં સૂચિત વધારા સામે બિલ્ડર લોબીનો વિરોધ :ખેડૂતો અને ક્રેડાઈના આગેવાનો સાથે વિશાળ રેલી
રાજ્યમાં જંત્રીના સુધારેલા સૂચિત દરો સામે રાજ્યભરના બિલ્ડર્સ એસોસિએશનોનો વિરોધ:જંત્રીના સૂચિત વધારા સામે ઠેર ઠેર રેલી યોજી વિરોધ:કલેક્ટરને આવેદનપત્ર આપી સૂચિત વધારો પરત લેવાની માગ

વડોદરામાં સૂચિત જંત્રીને લઈને બિલ્ડર્સ ગૃપ, ખેડૂતો અને ક્રેડાઈના આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બિલ્ડર્સે સૂચિત જંત્રીના વિરોધમાં રેલી યોજી હતી. શહેરના સયાજીનગરથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કલેક્ટરને આવેદન આપી જંત્રીના દર કાબુમાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી. જંત્રીનો ભાવ વધતા વડોદરામાં મકાનના ભાવ વધવાની શક્યતા છે. અગાઉ પણ 2011માં જંત્રીના દરનો ઉગ્ર વિરોધ કરાયો હતો. બિલ્ડરોની સાથે કોન્ટ્રાક્ટરો, મજૂરો, બિલ્ડીંગ મટીરિયલ્સ વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
અગાઉ પણ ક્રેડાઈના આગેવાનોએ જંત્રી મુદ્દે મુખ્યમંત્રીને મળીને જંત્રીમાં ઘટાડો કરવા અંગે રજૂઆત કરી હતી. જો કે મુખ્યમંત્રી દ્વારા પણ તેમને આશ્વાસન આપવામાં આવ્યુ હતુ. પરંતુ એ બાદ પણ કોઈપણ પ્રકારનો નિર્ણય ન આવતા ક્રેડાઈની આગેવાની હેઠળ વડોદરા શહેરમાં 1000 થી વધારે લોકોએ જેમાં બિલ્ડર્સ ગૃપ, કોન્ટ્રાક્ટર્સ, ખેડૂતો સહિતનાએ વિરોધ રેલી યોજી હતી. તેમની માગ છે કે જંત્રીના ભાવમાં જે તોતિંગ વધારો કરાયો છે તેને ઘટાડવામાં આવે. જો કે મોટાભાગના બિલ્ડર્સ એસોસિએશનનું કહેવુ છે કે જુના જે જંત્રીના દર છે એ પણ પહેલેથી વધુ છે તો વધારાની કોઈ જરૂર જ નથી.
જંત્રીના ભાવ વધારા અંગે tv9 સમક્ષ એક બિલ્ડરે જણાવ્યુ કે જે કંઈ ટેક્સ વધશે તેનો બોજો ગ્રાહકો પર આવવાનો છે અમે તો વેપારી છીએ. જંત્રીના દરોમાં 200 થી 2000 સુધીનો વધારો કરાયો છે. જેનો ગ્રાહક પર સીધો 2000 રૂપિયાનો બોજો પડશે.
વડોદરા ક્રેડાઈના પ્રમુખ પ્રિતેશભાઈએ જણાવ્યુ કે અમારી એટલી માગ છે કે 31 માર્ચ સુધી વાંધા સૂચનો મગાવવાની મુદ્દત વધારી આપવામાં આવે. વાંધા અરજીઓ માત્ર ઓનલાઈન નહીં પરંતુ ઓફલાઈન પણ સ્વીકારે. વધુમાં તેમણે જણાવ્યુ કે સાઈન્ટીફિક સર્વે કર્યા બાદ કોઈ વધારો સૂચવે.
ક્રેડાઈના વાઈસ ચેરમેન મયંક પટેલે જંત્રીમાં વધારાને જોહુકમી ભર્યો નિર્ણય ગણાવ્યો. તેને રિયાલિટીથી પરે ગણાવ્યો. વધુમાં ઓનલાઈન વાંધા અરજીનો પણ વિરોધ કર્યો. તેમણે જણાવ્યુ કે વિસ્તાર વાઈઝ રિયાલિસ્ટીક વેલ્યુને ધ્યાને રાખી સાઈન્ટીફિક ધોરણે જંત્રીની વેલ્યુએશન થવી જોઈએ. તેમણે સવાલ કર્યો કે ક્યા પેરામિટર પર આ જંત્રી નક્કી કરવામાં આવી છે. એ જનતા સમક્ષ મુકવુ જોઈએ.
મોટાભાગના બિલ્ડર્સ એસોસિએશનનું કહેવુ છે કે જંત્રીમાં કરાયેલા આ વધારાથી અર્થ વ્યવસ્થાને સીધી અસર થશે. જેનાથી રાજ્યના 14,736 પ્રોજેક્ટને સીધી અસર થશે. જંત્રીના સાયન્ટિફિક વધારા સામે પણ ડેવલપર્સ અને પ્રજા જંત્રી વધારાના વિરોધમાં વાંધા સૂચનો રજૂ કરી રહી છે. જોકે હાલ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા એવી પણ ભીતિ વ્યક્ત કરાઈ છે કે જંત્રીના સુધારેલા સૂચિત દરોનો અમલ થશે તો કોઈપણ મધ્યમ વર્ગિય પરિવાર ઘરનું ઘર ખરીદી શકશે નહીં.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
