News of Tuesday, 10th December 2024
બનાસકાંઠામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 22.76 કરોડ રૂપિયાની સહાય મંજૂર
સહાય થકી જિલ્લાની કુલ 211 ગૌશાળા અને પાંજરાપોળને આર્થિક મદદ મળશે.

અમદાવાદ :મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના વર્ષ 2024-25 અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સમિતિ દ્વારા જિલ્લામાં પાત્રતા ધરાવતી સંસ્થાઓની ગૌ માતા પોષણ યોજના અંતર્ગત આવેલ અરજીઓને ધ્યાને લઈ સહાય માટે મંજૂરી આપવામાં આવી હતી.
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત જુલાઈ 2024થી સપ્ટેમ્બર 2024 માટે પશુ નિભાવ સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કુલ 211 સંસ્થાઓની અરજી મળી હતી. જેમાંથી કુલ 17 સંસ્થાઓના દૈનિક પશુઓની સંખ્યા 1000 થી વધુ હોઈ જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા રાજ્ય કક્ષાની સમિતિને નિર્ણય અર્થે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલવામાં આવી હતી.
જ્યારે જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુઓની સંખ્યા 1000 થી ઓછી ધરાવતી કુલ 191 સંસ્થાઓની અરજી મંજુર કરી ચુકવણા અર્થે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવી હતી. જ્યારે ત્રણ સંસ્થાઓની અરજી ઠરાવની શરતો પરિપૂર્ણ ન કરતી હોવાથી નામંજૂર કરાઈ હતી.
જિલ્લાની કુલ 211 સંસ્થાઓના 82,459 પશુઓ માટે કુલ રૂપિયા 22.76 કરોડ રૂપિયાની સહાય મંજુર કરી ચુકવણા માટે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે. જિલ્લાની ગૌશાળા - પાંજરાપોળને પશુઓના નિભાવ માટે 23 કરોડ જેટલી માતબર રકમની સહાય મંજુર કરવાથી ગૌશાળા - પાંજરાપોળોને આર્થિક મદદ મળી રહેશે.
આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી સી.પી.પટેલ, જિલ્લા કક્ષાના પ્રતિનિધિ, નાયબ પશુપાલન નિયામક ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના, સભ્ય સચિવ નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
