News of Tuesday, 10th December 2024
અમદાવાદના સરખેજમાં 11 વર્ષીય સગીરા સુતી હતી તે દરમિયાન અચાનક તેનાં માસાએ તેની પાસે આવી બળજબરી કરીને અને દુષ્કર્મ ગુજાર્યું : સગીરા ડરી જતા બીજા દિવસે સવારે નરાધમ માસા બન્ને સગીરાઓને તેનાં માતાપિતાના ઘર બહાર મુકીને ભાગી ગયો
પિતાની ફરિયાદનાં આધારે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ : આરોપી માસા ફરાર થઈ જતા પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન

અમદાવાદ તા.૧૦ : શહેરમાં અવારનવાર દુષ્કર્મ અને છેડતી જેવા બનાવો બને છે, જોકે અમુક કિસ્સામાં પિતા પુત્રી, કાકા ભત્રીજી, અથવા તો અન્ય સંબંધોને શર્મસાર કરતા બનાવો બનતા હોય છે. તેવામાં સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આવો જ એક ગુનો નોંધાયો છે. જેમાં 11 વર્ષની સગીરા સાથે તેનાં જ સગા માસાએ દુષ્કર્મ ગુજાર્યું છે. જેને લઈને પોલીસે ગુનો દાખલ કર્યો છે.
અમદાવાદમાં રહેતા અને નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીને સંતાનમાં બે દિકરીઓ છે, જેમાં એક દિકરી 11 વર્ષ 7 માસની છે. જ્યારે અન્ય દિકરી 5 વર્ષની છે. મોટી દિકરી શાળામાં અભ્યાસ કરે છે. ગત 7 નવેમ્બરનાં રોજ ફરિયાદીને પત્ની સાથે કામથી બહાર જવાનું હોવાથી પોતાની સાળી જે સરખેજ વિસ્તારમાં પતિ અને બાળકો સાથે રહે છે તેનાં ઘરે બન્ને દિકરીઓને મુકી ગયા હતા.
જે રાત્રે 11 વર્ષીય સગીરા સુઈ રહી હતી, તે દરમિયાન અચાનક તેનાં માસાએ તેની પાસે આવી બળજબરી કરી હતી અને દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરા આ ઘટનાથી ડરી જતા બીજા દિવસે સવારે જ નરાધમ માસાએ બન્ને સગીરાઓને તેનાં માતાપિતાના ઘર બહાર મુકી જતો રહ્યો હતો. આ ઘટનાથી હેતબાઈ ગયેલી સગીરાના સ્વભાવમાં ફેરફાર થતા માતાએ પુછતા તેણે સમગ્ર હકિકત જણાવી હતી.
જે બાદ સગીરાનાં માતાપિતા અને આરોપી વચ્ચે આ બાબતને લઈને ઝઘડો પણ થયો હતો. અને સગીરાને તેની માતા હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે સગીરાની સાથે આ પ્રકારનો ગંભીર બનાવ બનતા ડોક્ટરે સરખેજ પોલીસને જાણ કરી હતી. સરખેજ પોલીસે સ્થળ પર પહોંચી સગીરાનું નિવેદન લઈને તેનાં પિતાની ફરિયાદનાં આધારે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ઘટના બાદ આરોપી માસા ફરાર થઈ જતા પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
