<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

ખ્યાતીકાંડ મામલે કેન્દ્રીય આરોગ્ય ટીમે ગુજરાતમાં ધામા નાખ્યા :મુખ્યમંત્રી કાર્યાલયને રિપોર્ટ મોકલવાનો આદેશ

મુખ્યપ્રધાનના સલાહકાર હસમુખ અઢીયાએ પીએમજેએવાય,એસએચએ,108 સહિતના વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરી

અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં બે દર્દીના ખોટા ઑપરેશનથી મોત થયા બાદ કેસના ધમધમાટ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય ટીમે ગુજરાતમાં ધામા નાખ્યા છે. આ ટીમે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ઘટનાની શરૂઆતથી લઈ અત્યાર સુધીની તપાસની તમામ ઝીણવટભરી માહિતી મેળવવામાં આવી હતી. રિપોર્ટ મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવાનો પણ આદેશ કર્યો હતો.

ગુજરાત સરકાર પણ સમગ્ર પ્રકરણમાં વધુ ગંભીર બની હતી અને મુખ્યપ્રધાનના સલાહકાર હસમુખ અઢીયાએ પણ પીએમજેએવાય, એસએચએ, 108 સહિતના વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરીને ગોટાળા મામલે મુખ્યમંત્રી કાર્યાલયને સીધો રિપોર્ટ કરવા સૂચના આપી હતી. તેમજ શંકાસ્પદ હૉસ્પિટલોની ચકાસણી કરવાના પણ આદેશ આપ્યા હતા

 

સૂત્રોએ જણાવ્યું કે, ક્રાઇમ બ્રાંચ દ્વારા 100થી વધુ લોકોને પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું છે. સમગ્ર કૌભાંડમાં આરોગ્ય અને વિમા અધિકારીઓની મીલીભગતની શંકા વ્યકત થઇ રહી છે ત્યારે પીએમજેએવાય યોજનાના સીએમઓ તથા વિમા કંપનીના પ્રાદેશિક મેનેજરને પણ તપાસ માટે તેડાવાયા હતા. ખ્યાતિ હોસ્પીટલ સાથે સંકળાયેલા તમામની પૂછપરછ થવાનો સંકેત તપાસનીશ અધિકારીએ આપ્યો હતો.

અમદાવાદના ખ્યાતિકાંડને પગલે સરકારે નવી માર્ગદર્શિકા ઘડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર પ્રકરણમાં નવા-નવા ખુલાસા થતા રહ્યા છે. તપાસ દરમિયાન હૉસ્પિટલોમાં થયેલી 8000થી વધુ સર્જરી અને 112 દર્દીઓના મોતના ડેટા પણ મળી આવ્યો હતો. આ કૌભાંડમાં કાર્તિક પટેલ,રાજશ્રી કોઠારી જેવા આરોપી હજુ નાસતા ફરે છે જયારે મેહુલ જૈન, પ્રતીક ભટ્ટ, પંકિલ પટેલ, મિલિન્દ પટેલ સંજય પટોલીયા, પ્રશાંત વજીરાણી, ચિરાગ રાજપૂત વગેરેની ધરપકડ કરવામાં આવી છે.


 

(7:10 PM IST)