<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

નકલી ED ની ટીમનો સૂત્રધાર “આપ” નો નેતા ? ગૃહમંત્રી હર્ષ સંઘવીના ટ્વિટથી રાજકીય ગરમાવો

આપ ના નેતાઓ સાથેની તસ્વીરો વાયરલ : નકલી ED ની ટીમના ૧૨ આરોપીઓ પૈકી એક સૂત્રધાર અબ્દુલ સત્તાર માંજોઠી અગાઉ આમ આદમી પાર્ટીનો કચ્છ પશ્ચિમ ઝોનનો મહામંત્રી રહી ચૂક્યો છે.

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ :  ગુજરાતમાં નકલી ના નામે જામેલી ચકચાર વચ્ચે ED ની નકલી ટીમના સૂત્રધાર અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરેલ ટ્વીટ એ ઠંડી વચ્ચે રાજકીય ગરમાવો સર્જ્યો છે. કચ્છના ગાંધીધામમાં રાધિકા જ્વેલર્સ ઉપર પાડેલા દરોડામાં નકલી ED ની ટીમના ૧૨ આરોપીઓ પૈકી એક સૂત્રધાર અબ્દુલ સત્તાર માંજોઠી અગાઉ આમ આદમી પાર્ટીનો કચ્છ પશ્ચિમ ઝોનનો મહામંત્રી રહી ચૂક્યો છે. જોકે, અબ્દુલ સત્તાર માંજોઠી સાપ્તાહિક મશાલચી કચ્છ નો તંત્રી એવમ પત્રકાર છે. દરમ્યાન જાણવા મળતી વિગતો મુજબ અબ્દુલ સત્તાર માંજોઠી એ ૧/૧૦/૨૦૨૩ ના લેખિતમાં પત્ર લખી આમ આદમી પાર્ટી આપ માંથી સ્વેચ્છાએ રાજીનામું આપી દીધું છે. હાલ તો નકલી ED ના દરોડાએ ગુજરાતમાં અને રાષ્ટ્રીય સ્તરે દેશમાં ચકચાર સર્જયા બાદ ગૃહમંત્રીના ટ્વીટ એ રાજકીય ગરમાવા સાથે રાજકીય હલચલ સર્જી છે.

(10:13 AM IST)