<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

યુ એન મહેતા હૉસ્પિટલમાં ગુજરાત ATSનું ઓપરેશન : ગેટ પરથી જ હથિયારો સાથે બે શખ્સોની ધરપકડ કરી

ધરપકડ બાદ ATSની ટીમ હૉસ્પિટલનો સમગ્ર વિસ્તાર સુરક્ષિત કર્યા પછી રવાના થઈ

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી યુ એન મહેતા હૉસ્પિટલમાં શુક્રવારે ગુજરાત ATSએ હથિયારો સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. ATSના એક સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર ગુપ્ત માહિતીના આધારે હૉસ્પિટલમાં ખાસ ઑપરેશન ચલાવવામાં આવ્યું હતું. 

નોંધનીય છે કે ATSના સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર ગુજરાત ATSને સૂચના મળી હતી કે બે વ્યક્તિઓ હથિયાર લઈને યુ એન મહેતા હૉસ્પિટલ આવી રહ્યા છે. જે બાદ તાત્કાલિક આસપાસના વિસ્તારમાં એક વિશેષ ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. આશરે બપોરના સવા ચાર વાગ્યે ATSની ટીમે હૉસ્પિટલના ગેટ પર બે શકમંદોને રોક્યા અને બે બંદૂક સાથે ઝડપી પાડ્યા. 

પ્રત્યક્ષદર્શીએ સમગ્ર ઘટના વિશે જણાવતાં કહ્યું હતું, કે 'અધિકારીઓ સાદા કપડાંમાં તૈનાત હતા અને કોઈ જ હોબાળો મચાવ્યા વિના અચાનક જ તેમણે બે લોકોને ઝડપી પાડયા, અમને તો પછી ખબર પડી કે તેમની પાસે હથિયાર હતા.' ધરપકડ બાદ ATSની ટીમ હૉસ્પિટલનો સમગ્ર વિસ્તાર સુરક્ષિત કર્યા પછી રવાના થઈ હતી.  

ગુજરાત ATSના DySP વિરજીત પરમારે સ્પેશિયલ ઑપરેશનની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું, કે 'બે શકમંદો આ વિસ્તારમાં આવી રહ્યા છે તેવી અમને જાણકારી હતી. જેના આધારે અમે સફળતાપૂર્વક ઑપરેશન પાર પાડ્યું. ઝડપાયેલા બંને શખ્સો મૂળ ગુજરાતનાં નથી, FIR ની પ્રક્રિયા ચાલી રહી છે.'

(11:25 AM IST)