<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

અમદાવાદના રામોલમાં કુખ્યાત શખ્શે જાહેરમાં નિર્દોષ વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો: તપાસમાં અનેક ખુલાસા

આરોપી અક્ષય અગાઉ ત્રણ વખત પાસાની સજા પણ કાપી ચૂક્યો છે. આરોપી અક્ષય જાહેરમાં છરી વડે લોકોને ડરાવી પોતાની ધાક જમાવતો હતો

અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરી ગુનેગારોને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, તેવામાં બીજી તરફ પૂર્વ વિસ્તારમાં જાહેર રોડ ઉપર એક ગુનેગારે નિર્દોષ વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો છે. આ ઘટના અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવી છે.

અમદાવાદમાં રામોલ વિસ્તારમાં ઇલેક્ટ્રિકનું છૂટક કામ કરતા રાજેશ રાઠોડ તેના મિત્ર ભરત મારું સાથે કામ પરથી પરત ફરી રહ્યા હતા, તે દરમ્યાન આર.કે.એસ્ટેટ પાસેથી પસાર થયા હતા, ત્યારે અક્ષય ઉર્ફે ભૂરિયો ત્યાં હાથમાં છરી લઈને જાહેર રસ્તા પર ઉભો હતો અને ત્યાંથી નીકળતા લોકોને ધમકાવતો હતો. જોકે બંને મિત્રોનો અવર જવરનો દરરોજનો રસ્તો હોવાથી તે અક્ષય ઉર્ફે ભૂરિયાને ઓળખતા હતા. રાજેશભાઈ અને ભરતભાઈ ત્યાંથી પસાર થતા હતા ત્યારે આરોપી અક્ષય તેના તરફ દોડીને આવી રહ્યો હતો જેથી તાત્કાલિક એક્ટિવાની બ્રેક મારી હતી. જેનાથી ઉશ્કેરાઈ જઈને આરોપી અક્ષય ઉર્ફે ભૂરિયો બંનેની પાછળ દોડ્યો હતો. જોકે ભરતભાઈ એક દુકાન તરફ દોડી ગયા હતા જ્યારે રાજેશભાઈ દોડી નહીં શકતા આરોપી અક્ષયે તેને છરીનો ઘા માર્યો હતો અને નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત રાજેશભાઈને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. 

 

સમગ્ર ઘટના બાદ પોલીસે ભરતભાઈની ફરિયાદને આધારે અક્ષય ઉર્ફે ભૂરિયાની ધરપકડ કરી છે. પોઈસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અક્ષય ગુનાહિત માનસિકતા ધરાવે છે અને તે અગાઉ અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે. આરોપી અક્ષય અગાઉ ત્રણ વખત પાસાની સજા પણ કાપી ચૂક્યો છે. આરોપી અક્ષય જાહેરમાં છરી વડે લોકોને ડરાવી પોતાની ધાક જમાવતો હતો.

  એક તરફ પોલીસ કોમ્બિંગના દાવાઓ કરી રહી છે ત્યારે આવા તત્વો પર જાણે કે હજી પણ સ્થાનિક પોલીસનો કોઈ ખોફ હોય નહીં તેમ જાહેરમાં લોકોને ડરાવી લુખ્ખાગીરી કરતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં આ કેસમાં આરોપી ગણતરીના કલાકોમાં પકડાઈ જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.

(8:45 PM IST)