તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Saturday, 14th December 2024
રાજ્યમાં હજુ બે દિવસ કાતિલ ઠંડી યથાવત રહેશે પછી જોર ઘટશે: વાદળ વાયુ આવતા કમોસમી વરસાદની શક્યતા
જાન્યુઆરીમાં સારા પશ્ચિમી વિક્ષોપ આવવાની શક્યતાને જોતા ગુજરાતના હવામાનમાં પલટો આવશે: અંબાલાલ પટેલની આગાહી

અમદાવાદ :ઉત્તર ભારતમાં શીતલહેરની અસર ધીમે-ધીમે સમગ્ર ગુજરાતમાં વર્તાઈ રહી છે. ડિસેમ્બર મહિનો શરૂ થયા બાદ જેમ-જેમ દિવસો જઈ રહ્યા છે, તેમ-તેમ ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. શિયાળો અસલ મિજાજમાં આવી જતાં ઠંડા પવન ફૂંકાવાથી મોટાભાગના શહેરો ઠંડાનગર બની ગયા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મકરસંક્રાંતિથી જાન્યુઆરીના અંત સુધીમાં ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, ઠંડીનું જોર હજુ પણ વધશે. જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, જૂનાગઢ, જામનગરમાં કાતિલ ઠંડી પડી શકે છે.
જો કે 17 ડિસેમ્બર બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ધીમે-ધીમે વધારો થઈ શકે છે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર તેમજ સૌરાષ્ટ્રમાં 26 થી 28 ડિગ્રી તેમજ દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 28 થી 30 સુધી જઈ શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં પણ સામાન્ય વધારો થશે. જેમાં સૌરાષ્ટ્રમાં 15 ડિગ્રી અને વલસાડમાં 16 થી 17 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન જશે. જેના પરિણામે અત્યારે જે ઠંડી પડી રહી છે, તેમાં આંશિક રાહત મળશે.
જ્યારે 26 ડિસેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વધુ એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. જેના કારણે દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા રહેશે. આ અરસામાં ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે છે. જાન્યુઆરીની શરૂઆત સુધીમાં વાદળવાયુ આવશે, જેથી ક્યાંક-ક્યાંક છાંટા પણ પડી શકે છે.
આગામી જાન્યુઆરી મહિનામાં સારા પશ્ચિમી વિક્ષોપ આવવાની શક્યતાને જોતા પવનના તોફાનો, કમોસમી વરસાદ, નૈસર્ગિક ઉત્પાતો જોવા મળી શકે છે. જ્યારે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે. જેમાં મકર સંક્રાંતિથી જાન્યુઆરીના અંત સુધીમાં હવામાનમાં પલટો આવતા ગુજરાતમાં કેટલાક ઠેકાણે માવઠું પણ થઈ શકે છે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
