<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

નકલી ચલણી નોટો વટાવવાના ષડયંત્રનો પર્દાફાશ :સોલા પોલીસે આરોપીઓને ઝડપ્યા :12 દિવસના રિમાન્ડ મેળવ્યા

સોલા પોલીસે મધ્યપ્રદેશનાં દિપક જાટવ નામનાં યુવકને પકડ્યો:દિપક પાસેથી 500 નાં દરની 75 જેટલી નકલી ચલણી નોટો મળી:ઉમેશ ઉર્ફે અનુરાગ જાટવ, વિકાસ જાટવ, ઉમેશ જાટવ, ધર્મેન્દ્ર જાટવ અને ઋષિકેશ જાટવ નામનાં આરોપીઓ ટ્રેનમાં મધ્યપ્રદેશ જતા હોવાની બાતમીથી અન્ય 5 આરોપીઓને ટ્રેનમાંથી પકડી લીધા

અમદાવાદ શહેરમાંથી ફરી એક વાર નકલી ચલણી નોટો ઝડપાઈ છે. સોલાનાં ચાણક્યપુરીમાં એક શખ્સ નકલી ચલણી નોટો વટાવવા આવ્યો હોવાની માહિતીની આધારે સોલા પોલીસે મધ્યપ્રદેશનાં દિપક જાટવ નામનાં યુવકને પકડ્યો હતો. દિપક પાસેથી 500 નાં દરની 75 જેટલી નકલી ચલણી નોટો મળી આવી હતી. જેની તપાસ કરતા તેની સાથે ઉમેશ ઉર્ફે અનુરાગ જાટવ, વિકાસ જાટવ, ઉમેશ જાટવ, ધર્મેન્દ્ર જાટવ અને ઋષિકેશ જાટવ નામનાં આરોપીઓ હોય અને તે ટ્રેનમાં મધ્યપ્રદેશ જતા હોવાની હકિકત સામે આવતા અન્ય 5 આરોપીઓને ટ્રેનમાંથી પકડી પાડવામાં આવ્યા હતા. 

 

તમામ આરોપીઓ પાસેથી 500 રૂપિયાનાં દરની કુલ 247 જેટલી નકલી ચલણી નોટો મળી આવી હતી. જેથી સોલા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 12 દિવસનાં રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે. આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું કે ઉમેશ ઉર્ફે અનુરાગ જાટવને દિપક જાટવે તેનાં સાળા અભિષેકનાં સાઢુભાઈ યોગેશ જાટવ સાથે નકલી નોટ બનાવવા માટે ભીંડ ખાતે મળાવ્યો હતો. યોગેશે ઉમેશ ઉર્ફે અનુરાગ તેમજ વિકાસ અને અન્ય ઉમેશ રાજકુમારને નકલી નોટ બનાવવા જરૂરી મદદ કરી નકલી નોટ કલર પ્રિન્ટરની મદદથી કઈ રીતે બનાવી શકાય તે શીખવાડ્યું હતું. 

જે બાદ ઉમેશ ઉર્ફે અનુરાગ તથા વિકાસ અને ઉમેશ ત્રણેય જણા મળી યોગેશનાં સહકારથી 100 રૂપિયાનાં દરની નકલી નોટો છાપવા માટે ઉમેશ ઉર્ફે અનુરાગનાં મિત્ર સંતોષ પાઠક પાસેથી કલર પ્રિન્ટર લાવ્યા હતા અને તેમાં 100 રૂપિયાનાં દરની નોટો છાપવા માટે ભીંડનાં માલમપુરમાં રૂમ રાખી 100 રૂપિયાનાં દરની 10 હજારની નકલી નોટો છાપી તે નોટ ચાલે છે કે કેમ તે પ્રયોગ કર્યો હતો. જેથી વિકાસ અને ઉમેશ દિલ્લી ખાતે ગયા અને 6 હજારની આસપાસની નોટ બજારમાં વટાવી હતી. અને બાકી રહેલી નોટો ઉમેશ ઉર્ફે અનુરાગ અને વિકાસ તેમજ ઉમેશ અને દિપકે ભીંડમાં જ વટાવી નાખી હતી. જે પછી ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવવા માટે 500 નાં દરની નકલી નોટો છાપવાનો પ્લાન બનાવ્યો હતો.

 

ઝડપાયેલા આરોપીઓમાં ઉમેશ ઉર્ફે અનુરાગ જાટવ મુખ્ય આરોપી છે. જેણે નોટ બનાવી, કટિંગ કર્યું અને તેમા ગ્રીન ટેપ પણ લગાવી હતી. બોન્ડ કાગળ, કલર પ્રિન્ટર, કટર અને અન્ય વસ્તુઓ લાવી પોતાના ઘરે નોટ છાપી હતી. દિપક જાટવે આરોપીઓનો સંપર્ક યોગેશ જાટવ સાથે કરાવ્યો હતો. જે અગાઉ યુપીમાં નકલી નોટોનાં કેસમાં પકડાઈ ચુક્યો હતો અને તેણે જ આરોપીઓને આ આઈડિયા આપ્યો હતો. વિકાસ જાટવે પોતાનાં ઘરે કલર પ્રિન્ટર લાવી નોટો છાપી હતી. ધર્મેન્દ્ર જાટવ નોટોનું બંડલ બનાવતો હતો અને બજારમાં નકલી નોટો વટાવવાનું તેમજ નોટો બન્યા પછી વધેલા કચરાનો નાશ કરતો હતો. ઋષિકેશ જાટવ બજારમાં નકલી નોટો વટાવવાનું કામ કરતો હતો.

આરોપીઓએ ભીંડમાં 500 નાં દરની નકલી નોટો છાપી અને તે વટાવવા માટે મોટા શહેર અમદાવાદમાં આવાનું નક્કી કર્યું. તમામ આરોપીઓ ટ્રેન મારફતે અમદાવાદનાં સાબરમતી રેલવે સ્ટેશને પહોંચ્યા અને વિકાસ જાટવની સાળીનાં દિકરો મોનુ ચાણક્યપુરીમાં રહેતો હોવાથી ત્યાં ગયા અને રાત પડતાની સાથે જ અંધારાનો લાભ લઈ દિપક જાટવ ચાણક્યપુરી શાકમાર્કેટ ખાતે પહોંચ્યો. જોકે પોલીસે સમય સૂચકતા વાપરી તમામ આરોપીઓને પકડી મોટુ રેકેટ શરૂ થતા પહેલા અટકાવી દીધો છે. 

આ મામલે સોલા પોલીસે આરોપીઓ સાથે ગુનામા સામેલ યોગેશ જાટવ તેમજ આ રીતે આરોપીઓએ અન્ય કોઈ જગ્યાઓ પર નોટો બનાવી વટાવવાનો પ્રયાસ કર્યો છે કે કેમ તે તમામ પાસાઓ પર પુછપરછ શરૂ કરી છે. તેવામાં આરોપીઓની તપાસમાં અનેક ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

(5:26 PM IST)