News of Sunday, 15th December 2024
વડોદરામાં લોક અદાલતે બે પરિવાર વચ્ચે 24 વર્ષનાં અબોલા કર્યા દુર :કરાવ્યું મિલન
લોક અદાલતમાં વર્ષો જુના કેસોનો નિકાલ : હાલમાં 60 હજાર જેટલાં કેસોનું નિરાકરણ કરાયું

વડોદરા: દેશભરમાં વર્ષની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઇ હતી.. જેમાં છેલ્લા 24 વર્ષથી મિલકત માટે કાનૂની જંગ ખેલી રહેલા બે ભાઇઓ વચ્ચે સમાધાન થયું હતું.. મિલકત વિવાદમાં 24 વર્ષથી એકબીજાનાં પરિવાર સાથે સંબંધો કાપનાર બંને ભાઇઓ આજે લોક અદાલતમાં સમાધાન થતાં ભાવુક થયાં હતા.
વડોદરાનાં હરણી વિસ્તારમાં રહેતાં બે સગા ભાઇઓ ગૌરાંગભાઇ દવે અને પ્રશાંતભાઇ દવે વચ્ચે છેલ્લા 24 વર્ષથી જમીન મિલકતને વિવાદ ચાલતો હતો.. આ બંને ભાઈઓની નિઃસંતાન ફોઇએ બંને ભાઈઓ પૈકી એક ભાઈને વિલથી તેમજ એક ભાઈને દત્તક લીધો હોઇ, કોર્ટ દ્વારા લખાણ કરીને મિલકત લખી આપી હતી. પરંતુ બંને ભાઈઓએ ફોઈ તરફથી મળેલી મિલકતને પ્રેમથી સ્વીકારી લેવાના બદલે ફોઈની તમામ મિલકતનો હક લેવા માટે બંને ભાઈઓએ એકબીજા સામે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.. જેને કારણે બંને ભાઈઓના પરિવાર વચ્ચેનાં સંબંધોમાં પણ કડવાહટ આવી ગઈ હતી..
છેલ્લા 24 વર્ષથી બંને ભાઈઓ ફોઈની મિલકત મેળવવા માટે કાનૂની જંગ ખેલી રહ્યા હતા. બંને ભાઈઓ પૈકી એક ભાઈએ ધારાશાસ્ત્રી પરેશભાઈ રોય અને બીજા ભાઈએ પી.જે. શાહ નામના વકીલને રોક્યા હતા અને તેઓ દ્વારા કેસ ચલાવવામા આવી રહ્યો હતો. પરંતુ બંને ભાઈઓ સમાધાન કરવા તૈયાર ન હતા. મુદતમાં હાજર રહે તો પણ તેઓ બોલવાની વાત તો દૂર એકબીજા સામે જોતા પણ ન હતા.
દરમિયાન આજે યોજાયેલી લોક અદાલતમાં તેઓના વકીલોએ સમજાવતા કેસ મુકાયો હતો અને બંને ભાઈઓએ ફોઈ દ્વારા મળેલી મિલકતો અંગે સમાધાન કરી લીધું હતું. જજ પ્રિયંકા અગ્રવાલની કોર્ટ સમક્ષ આજે સમાધાન થઈ જતા બંને ભાઈઓ ભાવુક બની ગયા હતા અને કોર્ટમાં જ બંને પરિવારો 24 વર્ષ બાદ એક થઇ ગયાં હતાં.. આ બંને પરિવારોને એક કરવામાં જિલ્લા કાનૂની સેવા મંડળે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.. અને તે માટે લોક અદાલત શ્રેષ્ઠ માધ્યમ પુરવાર થઇ હતી
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી વિશાલ ગઢવીએ આજે યોજાયેલી લોક અદાલત અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે આજની લોક અદાલતમાં અકસ્માત વળતર, ચેક રિટર્ન, પારિવારિક ઝઘડા, સિવિલ તેમજ નાના મોટા ગુનાઓના કેસો મળીને કુલ 45000 કેસો મૂકવામાં આવ્યા હતા. જે પૈકી 35000 કેસોમાં સમાધાન થયું છે . જેમાં મોટર અકસ્માતના 175 કેસમાં સમાધાન થયું છે . લોક અદાલતથી વર્ષોથી કોર્ટના ચક્કર લગાવતા લોકોને મોટી રાહત મળે છે. લોક અદાલતમાં સમાધાન થયા બાદ અપીલ કરવાની રહેતી નથી અને કેસોમાં સમાધાન થયા બાદ તુરંત વળતરની રકમ પણ મળી જાય છે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
