<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

ખોટુ ઇ-ચલણ મોકલ્યું છે ?:અમદાવાદ ટ્રાફિક પોલીસે જણાવ્યું કેવી રીતે કરાવી શકો છો રદ

ટેક્નિકલ અથવા હ્યુમન એરરના લીધે જો લાગે છે કે ખોટું ઈ-ચલણ મળ્યું છે તો જરા પણ ગભરાવવાની જરૂર નથી

અમદાવાદમાં ટ્રાફિક નિયમોને ભંગ કરનારાઓને ટ્રાફિક પોલીસ દ્વારા ઇ-ચલણ મોકલવામાં આવે છે. જોકે ઘણી વાર ટેક્નિકલ કે હ્યુમન એરરના કારણે અન્ય કોઇને આપવાનું ઇ-ચલણ તમને મળી જતું હોય છે. આ પ્રકારે ઇ-ચલણ આવી જવાંથી આપણે મુઝવણમાં મુકાઈ જતાં હોઇએ છીએ કે હવે શું કરવું. કેવી રીતે આ ઇ-ચલણ રદ કરાવવું. ત્યારે આજે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ખોટી રીતે ઇશ્યૂ કરવામાં આવેલા ઇ-ચલણને કેવી રીતે રદ કરવું તે જણાવવામાં આવ્યું છે.

ટેક્નિકલ અથવા હ્યુમન એરરના લીધે જો આપને લાગે છે કે આપને ખોટું ઈ-ચલણ મળ્યું છે તો આપ અમદાવાદ ટ્રાફિક પોલીસે પોતાના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં જણાવ્યુ છેકે,આપને જે ઇ-ચલણ ઇશ્યુ કરવામાં આવ્યું છે. તેમાં જે વ્હીકલ દેખાય છે એ વ્હીકલ આપનું નથી તો તમારે જરા પણ ગભરાવવાની જરૂર નથી.

જો તમને આ ક્ષતિ જણાય તો તમે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમના ઇ-મેઇલ આઇડી [email protected] પર ઇમેઇલ કરી શકો છો. જો તમે ઇ-મેઇલ ન કરી શકો તમે રૂબરુ જઇને લેખીતમાં અરજી કરીને તેની તપાસ કરાવી શકો છો.

તમારા દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે ટ્રાફિક શહેર પોલીસ દ્વારા તપાસ કરાવવામાં આવશે અને જો ખરેખર તમને જે ઇ-ચલણ ઇશ્યુ કરવામાં આવ્યું છે તે ખોટી રીતે ઇશ્યૂ કરવામાં આવ્યું હશે તો તેને રદ કરવામાં આવશે. જેને ઇશ્યુ કરવાનું હતું તેના બદલે તમને ઇશ્યુ થઇ ગયું છે તો ટ્રાફિક પોલીસ દ્વારા જે-તે વ્યક્તિને ઇ-ચલણ મોકલવામાં આવશે.

(8:18 PM IST)