તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મહિલા પાસેથી કસ્ટમ વિભાગે રુ. 50 લાખના સોનાના દાગીના જપ્ત કર્યા
પકડાયેલ મહિલાએ પોતાની પાસેના સોનાના દાગીના ઇમિટેશન જ્વેલરી હોવાનો દાવો: મહિલાની સઘન પૂછપરછ

અમદાવાદ :એતિહાદ એરલાઇન્સની ફ્લાઈટમાં અમદાવાદ આવેલી મહિલા પેસેન્જર પાસેથી કસ્ટમ એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ 50 લાખ રુપિયાના દાણચોરીના દાગીના જપ્ત કર્યા હતા. પકડાયેલ મહિલાએ પોતાની પાસેના સોનાના દાગીના ઇમિટેશન જ્વેલરી હોવાનો દાવો કરીને કસ્ટમ્સ વિભાગને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. કસ્ટમ અધિકારીઓની પૂછપરછમાં બિલ રજૂ નહોતી કરી શકી.
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓ પેસેન્જરની શંકાસ્પદ હિલચાલ પર બાજ નજર રાખી રહ્યા છે. આ દરમિયાન શનિવારે મોડી રાત્રે એતિહાદ એરલાઇન્સની ફ્લાઈટમાં અમદાવાદ આવેલી એક મહિલા પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ જોવા મળી હતી. તેના લગેજની તપાસ કરવામાં આવી તો 18 કેરેટ અને 9 કેરેટના સોનાના દાગીના મળી આવ્યા હતા જેની કિંમત અંદાજે 50 લાખ જેટલી થાય છે.
કસ્ટમ વિભાગની તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આ મહિલા પેસેન્જર કેરિયર તરીકે કામ કરતી હતી અને આ પહેલા પણ તે વિદેશની સફર ખેડી ચુકી છે. આ દાગીના કોના માટે લાવી હતી તેની તપાસ હાલમાં ચાલી રહી છે. છેલ્લા કેટલાક મહિનાથી 10માંથી 7 મહિલાઓ દાણચોરીમાં પકડાઈ રહી છે.
કસ્ટમ વિભાગના નિયમો મુજબ, કોઈ પણ વ્યક્તિ પાસેથી રુપિયા 1 કરોડથી વધારે દાણચોરીનો માલ પકડાય તો જ તેની ધરપકડ કરવામાં આવે છે. આ વ્યક્તિને કસ્ટડીમાં લઈને તેની આકરી પૂછપરછ કરવામાં આવે છે. 1 કરોડથી ઓછો માલ હોય એ સંજોગોમાં પકડાયેલી વ્યક્તિની પૂછપરછ કરીને અને નિવેદન લઈને તેને જવા દેવામાં આવે છે, તેનો પાસપોર્ટ પણ જપ્ત કરી લેવાય છે પણ તેની ઓળખ જાહેર કરવામાં આવતી નથી. આ ઉપરાંત મુદ્દામાલ પણ કસ્ટમ્સ વિભાગના કબજામાં રહે છે. કસ્ટમ વિભાગ કાયદેસરની કાર્યવાહી કરીને કસ્ટમ ડ્યુટી તથા પેનલ્ટી વસૂલ કરે છે. આ ડ્યુટી અને પેનલ્ટી 400 ટકા સુધી હોય છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
