<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

વૈશ્વિક વિશ્વાસની ખોટ પુરવાની જવાબદારી વિશ્વબંધુ ભારત પરઃ જૈનાચાર્ય પૂ.યુગભૂષણસૂરીજી

જીઓપોલિટીકસનાં વિભિન્ન પાસાંની વિશદ ચર્ચા સાથે વસુધૈવ કુટુંબકમ્‌ કી ઓર સંવાદ ૩.૦ ની પૂર્ણાહુતિ

અમદાવાદ, તા.૧૬: ‘‘જ્‍યાં સુધી વૈશ્વિક વિશ્વાસના મુદ્દે ઊભી થયેલી ખોટનો પ્રશ્ન છે તો તેને પુરવાની જવાબદારી એક જવાબદાર અને વિશ્વાસપાત્ર રાષ્‍ટ્ર તરીકે હવે ભારતની છે. આજે વિશ્વસનીયતાની ખોટના કારણે ઊભી થયેલી વૈશ્વિક સમસ્‍યાઓનું સમાધાન, વૈશ્વિક સમુદાયના સહયોગથી માત્ર ભારત જ આપી શકશે. અમેરિકાએ ૨૦મી સદીના પ્રારંભે અત્‍યંત મૂલ્‍યવાન અને દુર્લભ એવો વૈશ્વિક વિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો તે હવે ગુમાવી દીધો છે. અને એટલે જ ભારતની જવાબદારી વધી જાય છે.'' તેમ જૈનાચાર્ય પ.પૂ. યુગભૂષણસૂરીજીએ જણાવ્‍યું હતું . તેઓ ‘‘જ્‍યોત સંસ્‍થા'' દ્વારા ગીતાર્થ ગંગા ખાતે આયોજિત બે દિવસના ‘‘વસુધૈવ કુટુંબકમ કી ઓર ૩.૦ કોંકલેવ''ના પૂર્ણાહુતિ સમયે સંબોધન કર્યુ હતું.

આ પ્રસંગે વિવિધ વૈશ્વિક રાજનૈતિક અને આધ્‍યત્‍મિક પ્રવાહોની ચર્ચા કરતા આચાર્યશ્રીએ જણાવ્‍યું હતું કે ભારતની આધ્‍યાત્‍મિક જ્ઞાન પરમ્‍પરા સનાતન રહી છે. તેણે હંમેશાં વિશ્વને શાંતિનો રસ્‍તો બતાવ્‍યો છે. આજના અશાંત વૈશ્વિક રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં તેનું મહત્ત્વ ખૂબ વધારે છે અને તે વિશ્વને માર્ગદર્શન કરવા સક્ષમ છે. ગઇકાલે રવિવારે ગીતાર્થ ગંગા ખાતે બીજા દિવસે ‘જીઓપોલિટીકસમાં મલ્‍ટીપોલારિટી, વૈશ્વિક વિશ્વાસ અને વિશ્વબંધુ ભારતની ભૂમિકા' વિષય પર વિશદ ચર્ચા થઈ હતી. સવારે યોજાયેલા આંતરિક ચર્ચા સત્ર અને બપોરના જાહેર સંવાદમાં આ મુદ્દા પર ગહન મનોમંથન અને પ્રશ્નોત્તરી થયા હતા. વર્તમાન સમયમાં આ થીમ એટલા માટે સુસંગત છે કારણ કે સમગ્ર વિશ્વ એક પ્રકારના વિશ્વાસની ખોટ અનુભવી રહ્યું છે અને તેને પુરવામાં વિશ્વબંધુ ભારતની ભૂમિકા મલ્‍ટીપોલાર વિશ્વમાં મહત્ત્વપૂર્ણ બની રહેવાની છે.

આજના આ ચર્ચાસત્રોમાં પ્રસિદ્ધ ન્‍યાયવિદ અને કન્‍સલ્‍ટન્‍ટ ડો. અનિરુદ્ધ રાજપૂત, ન્‍યાયવિદ પર્સીવલ બીલીમોરીયા, ભારતના બ્રિટન ખાતેના પૂર્વ રાજદૂત શ્રી યશવર્ધનકુમાર સિન્‍હા, આઈડીએસએના શ્રી રાજીવ નયન, ડો. જે આર ભટ્ટ, વીઆઇએફના સંશોધક ડો. સરોજ બિસોય, ભારતના પૂર્વ રાજદૂત શ્રી અચલકુમાર મલ્‍હોત્રા અને ઇન્‍ડિયા ફાઉન્‍ડેશનના નિયામક કેપ્‍ટન ડો. આલોક બંસલે ઉપરોક્‍ત વિષયના વિભિન્ન પાસાં પર વિચારો રજૂ કર્યા હતા.

આ કોન્‍કલેવના મુખ્‍ય આયોજક ‘‘જ્‍યોત'' સંસ્‍થાને ગીતાર્થ ગંગા સંશોધન કેન્‍દ્ર, વિવેકાનંદ ઇન્‍ટરનેશનલ ફાઉન્‍ડેશન, ઇન્‍ડિયા ફાઉન્‍ડેશન, મહારાષ્‍ટ્ર નેશનલ લો યુનિવર્સિટી, નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ માસ કમ્‍યુનિકેશન એન્‍ડ જર્નલીઝમ અમદાવાદ, ગ્રાન્‍ડ એકેડેમિક પોર્ટલ, બીએમકે ફાઉન્‍ડેશન, જીઓ સ્‍ટ્રેટા અને પ્રવર્ષ ગ્રુપ ઓફ કંપનીઝનો વિવિધ ક્ષમતાઓમાં સહયોગ સાપડ્‍યો છે.આ ઇવેન્‍ટને ભારતના પૂર્વ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ એટર્ની જનરલ શ્રી કે. કે. વેણુગોપાલ, શ્રી પી. ચિદમ્‍બરમ, ઓસ્‍ટ્રેલિયન હાઈ કમિશન, નેપાળ દૂતાવાસ, યુક્રેન દૂતાવાસ, જર્મન દૂતાવાસ અને સ્‍પેનિશ દૂતાવાસ તરફથી શુભેચ્‍છાઓ મળી. નેપાળ દૂતાવાસે તેમના પ્રતિનિધિ તરીકે દ્રુપદા સપ્‍કોટા, મંત્રી પરામર્શદાતાને કોન્‍કલેવમાં હાજરી માટે નિયુક્‍ત કર્યા હતા.

(4:09 PM IST)