<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

બોટાદના સરદાર પટેલ કૃષિ એવોર્ડ વિજેતા ખેડૂતના પ્રાકૃતિક કૃષિથી વાવેલા ફળોનું દિલ્હી સુધી વેચાણ

110 વીઘા જમીનમાં સીતાફળનું વાવેતર: 85 વીઘામાં લીંબુનું અને 85 વીઘામાં જામફળનું વાવેતર

બોટાદ ;પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા કૃષિ વિભાગ સતત પરિણામલક્ષી પ્રયત્નો કરી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી હેઠળનો વિસ્તાર વધી રહ્યો છે, પરિણામે ગત વર્ષે ગુજરાતમાં રાસાયણિક ખાતરના ઉપયોગમાં ઘટાડો જોવા મળ્યો છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચારણકા ગામના પ્રગતિશીલ ખેડૂત નાગજીભાઈ મોરડીયા પણ વર્ષોથી પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. આજે આ અહેવાલમાં તેમના વિશે તમને જણાવીશું.

ખેડૂત નાગજીભાઈ મોરડીયાએ પોતાના અનુભવ વિશે જણાવતા કહ્યું કે, હું 2017 થી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલ છું. તેમજ 300 વીઘા જમીનમાં બાગાયતી ખેતી કરું છું. જેમાંથી 110 વીઘા જમીનમાં સીતાફળનું વાવેતર, 85 વીઘામાં લીંબુનું વાવેતર અને 85 વીઘામાં જામફળનું વાવેતર કર્યું છે. જેમાં અંજીરિયા જામફળ, તાઇવાન પિંક જામફળ અને વાઈટ વન કેજી એમ ત્રણ પ્રકારના જામફળનું વાવેતર કરું છું. તેમજ 110 વીઘામાં ગોલ્ડન પ્રજાતિના સીતાફળનું વાવેતર કરું છું. અને કાગદી પ્રકારના લીંબુનું વાવેતર કરું છું.

પ્રાકૃતિક કૃષિ અંગે વધુમાં જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી કરવાથી મળતા ઉત્પાદનમાં એક અલગ સ્વાદ, સારી ગુણવત્તા અને કુદરતી મીઠાશ જોવા મળે છે. જ્યારે હું રાસાયણિક ખેતી કરતો હતો ત્યારે ઉત્પાદન પણ ઓછું મળતું હતું અને ખર્ચ પણ વધુ થતો હતો. તેમજ જમીનને નુકસાન થતું હતું અને સાથે સાથે સ્વાસ્થ્યને પણ નુકસાન થતું હતું. જ્યારે હવે પ્રાકૃતિક કૃષિ દ્વારા અનેક લાભ થઈ રહ્યા છે.

ખેતી ક્ષેત્રે પ્રાપ્ત થયેલી ખ્યાતિ વિશે જણાવ્યું કે, જો ધરતીને ઝેર મુક્ત કરવી હોય તો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ અપનાવવી પડશે. તો જ જમીન અને જન સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકીશું. આથી મેં રાસાયણિક ખેતી છોડીને બાગાયત અને પ્રાકૃતિક કૃષિ તરફ મીટ માંડી છે. જેમાં બાગાયત ખાતા દ્વારા મને પેક હાઉસની સહાય મળે છે. તેમજ પ્લાન્ટની સબસિડી પણ બાગાયત વિભાગ તરફથી મળી છે. તેમજ 2001માં 'સજીવ ખેતી' અંતર્ગત સરદાર પટેલ કૃષિ એવોર્ડ પણ મળ્યો હતો.

ખેડૂતોને સંદેશ આપતા જણાવ્યું કે, મારા તમામ ખેડૂત ભાઈઓને મારે એક જ સંદેશો આપવો છે કે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ અપનાવો.

(1:20 PM IST)