<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

સાણંદમાં એક સ્કૂલના ટ્રસ્ટી ડિજિટલ એરેસ્ટનો શિકાર થતા બચી ગયા:પોલીસ અવેરનેસની ટીપ્સ કામ લાગી

ગઠિયાઓએ બે કલાક ડિજિટલ એરેસ્ટ કર્યા :વોશરૂમ જવાના બહાને પ્રિન્સિપાલને એક ચિઠ્ઠી આપીને પોલીસને જાણ કરવા માટે કહ્યું

અમદાવાદ ગ્રામ્ય પોલીસે સાણંદમાં એક સ્કૂલમાં ટ્રાફ્ટિ, સાયબર ફ્રોડ અને મહિલા સુરક્ષાને લગતા યોજેલા જાગૃતિ કાર્યક્રમને સફળતા મળી હતી. ગઠિયાઓએ બે કલાક ડિજિટલ એરેસ્ટ કર્યા હતા ત્યારે જ ટ્રસ્ટીએ સૂઝબૂઝ બતાવી પોલીસે જાગૃતિ કાર્યક્રમમાં આપેલી ટિપ્સને યાદ કરી હતી. બાદમાં વોશરૂમ જવાના બહાને પ્રિન્સિપાલને એક ચિઠ્ઠી આપીને પોલીસને જાણ કરવા માટે કહ્યું હતું.

સાણંદ જીઆઇડીસી પોલીસનો સ્ટાફ સ્કૂલ પર પહોંચીને જોયું તો ટ્રસ્ટી કોઇ સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યા હતા. ડિજિટલ એરેસ્ટ થયાની જાણ થતાં જ પોલીસે ઇશારો કરીને ટ્રસ્ટીને વીડિયો કોલમાં વાત ન કરવા સમજાવ્યા હતા. તેવામાં મુકેશ પટેલ નામના ટ્રસ્ટીએ પણ પોલીસની વાત માની લેતા ડિજિટલ એરેસ્ટથી બચી ગયા હતા. સ્કૂલના ટ્રસ્ટીના ખાતામાં 50 લાખ જેટલી રકમ હતી.

ઠગોએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નામે ફોન કર્યો હતો. ગઠિયાઓએ આધારકાર્ડ પરથી સીમકાર્ડ નીકળ્યું હતું અને તે બ્લેક મેઇલિંગ તથા ફાયનાન્સિયલ ફ્રોડમાં ઉપયોગ થયો છે તેવું કહ્યું હતું. બે કલાકમાં ક્લીયરન્સ સર્ટિસ્કેટ જમા નહીં કરાવો તો આધારકાર્ડ અને સીમકાર્ડ બંને કાયમ માટે રદ થઇ જશે તેમ કહીને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. બાદમાં મની લોન્ડરિંગનો કેસ થયો હોવાથી અધિકારી પ્રદીપ સાવંત સાથે વાત કરવાનું કહેતા જ ટ્રસ્ટી ગઠીયાઓની જાળથી વાકેફ થઇ ગયા હતા.

અમદાવાદ ગ્રામ્ય SP જાટે કહ્યું કે, ગ્રામ્ય પોલીસે ફરિયાદીની સ્કૂલમાં ત્રણ કાર્યક્રમ કર્યા હતા. જેમાં સાયબર અને ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ હતા. જેના કારણે સ્કૂલના ટ્રસ્ટી પર જ્યારે ફોન આવ્યો ત્યારે તેમણે સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરી હતી. પોલીસ તરત જ સ્કૂલ પર પહોંચી ગઈ હતી અને તેમને વધુ વિગત આપતા રોક્યા હતા. પોલીસ કદાચ સમયસર ન પહોંચી હોત તો 50 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ હોત.

(11:24 AM IST)