<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

હજુ પ દિવસ સુધી ગુજરાતમાં તાપમાનમાં ફેરફાર નહી થાય : ઠંડી યથાવત

ગુજરાતમાં દિવસેને દિવસે વધતી ઠંડીના કારણે લોકો ધ્રૂજી ઉઠયા

અમદાવાદ, તા. ૧૮:  ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહેલી ઠંડીએ લોકોને ધ્રૂજવા માટે મજબૂર કરી દીધા છે. રાજ્‍યમાં ઠંડીનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્‍યના સૌથી ઠંડા શહેર નલિયાનું તાપમાન ૭.૫ ડિગ્રી નોંધાયું છે. જ્‍યારે રાજકોટમાં ૯.૩ અને અમરેલીમાં ૯.૮ ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્‍યા પ્રમાણે,આગામી ૫ દિવસ સુધી રાજ્‍યના તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાત અને સૌરાષ્‍ટ્રના વિસ્‍તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. સૌરાષ્‍ટ્રમાં કડકડતી ઠંડી પડી શકે છે. ઉત્તર-પૂર્વથી પૂર્વના પવનોને કારણે ઠંડીમાં વધારો થવાની શકયતા છે. આગામી ૫ દિવસમાં તાપમાનમાં ૧-૨ ડિગ્રીની વધઘટની શકયતા છે. જો કે તાપમાન વધશે, પરંતુ પવનના કારણે ઠંડી યથાવત રહેશે.

છેલ્લા ૧૦ વર્ષના આંકડા મુજબ રાજકોટમાં પ્રથમ વખત કોલ્‍ડવેવની અસર જોવા મળી રહી છે. રાજકોટમાં છેલ્લા ૧૦ દિવસથી ઠંડીનું મોજું ચાલી રહ્યું છે. સૌરાષ્‍ટ્રના રાજકોટ સહિત કચ્‍છના નલિયામાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, નલિયામાં સૌથી ઓછું ૭.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે વડોદરામાં ૧૨.૮ ડિગ્રી, ડીસામાં ૧૨.૮, અમરેલીમાં ૯.૮, રાજકોટમાં ૯.૩, ભુજમાં ૧૦.૬, અમદાવાદમાં ૧૪.૮, સુરતમાં ૧૫.૨, કંડલા પોર્ટમાં ૧૩.૫, ભાવનગરમાં ૧૪.૪, દ્વારકામાં ૧૬.૨, વેરાવળમાં ૧૬.૬ અને ઓખામાં ૧૮.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

(7:14 PM IST)