તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Wednesday, 18th December 2024
રાજ્ય સરકાર શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવશે
સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોવાથી ખેડૂતોને શિયાળુ પાકના વાવેતરમાં સુગમતા રહેશે

અમદાવાદ :ગુજરાતના ખેડૂતો નિશ્ચિંત થઈને શિયાળુ પાકોનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવા નિર્ણય લેવાયો છે, હાલમાં ગુજરાતના તમામ જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠક બાદ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષ ૨૦૨૪ દરમિયાન થયેલા સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સહિત રાજ્યના મુખ્ય ૨૦૭ જળાશયોમાં પાણીની મબલખ આવક થઇ છે. હાલ ગુજરાતના ૨૦૭ જળાશયની કુલ સંગ્રહ ક્ષમતા સામે ૮૮ ટકા જેટલો એટલે કે, ૭.૮૫ લાખ MCFTથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ગત વર્ષની સરખામણીએ ૪ ટકા વધુ છે.
ઉત્તર ગુજરાતના જળાશયોમાં ૬૫ ટકા, મધ્ય ગુજરાતના જળાશયોમાં ૯૨ ટકા, દક્ષિણ ગુજરાતના જળાશયોમાં ૯૧ ટકા, સૌરાષ્ટ્રના જળાશયોમાં ૮૬ ટકા અને કચ્છના જળાશયોમાં ૬૨ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં પણ ૯૦ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના જળાશયોની પરિસ્થિતિને ધ્યાને લેતા સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોવાથી ખેડૂતોને શિયાળુ પાકના વાવેતરમાં સુગમતા રહેશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
