<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી સાથે કુકર્મ કરનાર આરોપી પાડોશી નીકળ્યો :પીડિતાના પિતા સાથે કામ કરતો હતો.

અગાઉ પણ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી: હવસખોરે સગીરાના ગુપ્તાંગમાં લોખંડનો સળીયો પણ નાખ્યો હતો

ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી સાથે કુકર્મ કરનાર આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. આ આરોપી પીડિત પરિવારનો પાડોશી અને પીડિતાના પિતા સાથે કામ કરતો હતો. 

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, નરાધમ વિજયે એક મહિના અગાઉ પણ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. જે તે સમયે પરિવાર સમાજમાં બદનામીના ડરથી ચૂપ રહ્યો હતો. જેના કારણોસર આરોપીની હિંમત વધતા તેને બીજી વખત પણ બાળકી સાથે કુકર્મ કર્યું હતું. આ હવસખોરે સગીરાના ગુપ્તાંગમાં લોખંડનો સળીયો પણ નાખ્યો હતો.

આ ઘટના અંગે ભરૂચ SPએ જણાવ્યું હતું કે, શકમંદોને ડિટેઇન કરવામાં આવ્યા હતાં. જેમાં ફૂટેજ સહિતના પુરાવાના આધારે આ જ વિસ્તારમાં વસવાટ કરતો વિજય પાસવાન નામનો આરોપી શંકાના દાયરામાં આવ્યો હતો. જેના આધારે પોલીસે તેની કડક પૂછપરછ કરી હતી અને તેને પોતાનો ગુનો કબૂલ્યો હતો.

આરોપીએ જણાવ્યું કે, તેને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ પહેલા પણ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હતા. આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળીયો નાખતા ઈજાઓ પહોંચી હતી. આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, પોક્સોની કલમ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં હત્યાની કોશિષની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. હાલ આરોપીના 5 દિવસના રિમાન્ડ અપાયા છે. ગંભીર ઇજાને કારણે બાળકીની સ્થિતિ નાજુક છે.

ભોગ બનનારના પિતાએ જણાવ્યું કે, છેલ્લા 15 વર્ષથી હું અને વિજય પાસવાન સાથે કામ કરીએ છીએ. તેણે આવું શા માટે કર્યું તે અમને ખબર પડતી નથી. અમને ન્યાય મળવો જોઇએ. અને આરોપીને ફાંસીની સજા થવી જોઇએ. વિજયે તેમને જંગલમાં લોખંડ વીણવા માટે લઇ ગયો હતો. અને સાંજે ડ્યુટી પરથી ઘરે આવીને જોયું તો 3 બાળકો રસ્તા પર ઊભાં ઊભાં રડતાં હતાં અને કહ્યું કે, પાસવાને બહેન સાથે ગંદું કામ કર્યું છે.

પીડિતાની માતાએ જણાવ્યુ કે, ઘરથી દૂર આવેલી દીવાલ તરફથી મમ્મી મમ્મી તેવો અવાજ આવી રહ્યો હતો, અમારા રૂમ પાસે એક વ્યક્તિ હતો તેની પાસે ગઈ અને તેમને કહ્યું કે ચાલો ને જોઈએ કે કોણ છે. ત્યાં ગયાં તો મારી છોકરી લોહીલુહાણ હાલતમાં પડી હતી. હાલ વડોદરાની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

દુષ્કર્મની ઘટના બાદ પીડિતાને મળવા આવેલા ઝારખંડ રાજ્યના રૂરલ ડેવલપમેન્ટ પંચાયતી રાજના મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં રોજગારી માટે આવતા પરપ્રાંતિયોનું સરકારે ધ્યાન રાખવું જોઇએ. પીડિતાને જરૂર પડશે તો એર લિફ્ટ કરીશું. હાલ 4 લાખની સહાય કરીએ છીએ. 

(12:11 PM IST)