<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

અમદાવાદના વૃદ્ધની ઘૂંટણની ખોટી સારવાર કરીને મુંબઇના નકલી ડોક્ટરે રુપિયા 6 લાખ પડાવી લીધા

તબીબ અને તેમના આસિસ્ટન્ટ તબીબ દ્વારા એક બે નહીં પરંતુ કુલ 153 વખત પસ ઘૂંટણમાંથી કાઢીને 6 લાખ રૂપિયા પડાવીને ફરાર થઈ ગયા છે.

અમદાવાદ ઇસનપુરના વૃદ્ધ દર્દીને ઘૂંટણનો દુખાવો દૂર કરવાનું કહીને મુંબઇના તબીબ અને તેમના આસિસ્ટન્ટ તબીબ દ્વારા એક બે નહીં પરંતુ કુલ 153 વખત પસ ઘૂંટણમાંથી કાઢીને 6 લાખ રૂપિયા પડાવીને ફરાર થઈ ગયા છે. 

બીજી તરફ, તબીબ અંગે વૃદ્ધની દિકરીએ ઓનલાઇન ચેક કરતા આવા નામનો કોઈ ડોક્ટક ન હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે વૃદ્ધે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નકલી ડોક્ટર અને તેમના આસિસ્ટન્ટ ડોક્ટર વિરુદ્ધ રુપિયા 6 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

66 વર્ષીય સંજયભાઇ સકસેના પરિવારજનો સાથે રહીને નિવૃત જીવન જીવે છે. તારીખ 15 ડિસેમ્બરે દિકરીના ઘરેથી જમીને જઇ રહ્યા હતા ત્યારે તેમણે ઘૂંટણના ભાગે દુખાવો થતો હોવાથી તેઓ લંગડાતા ચાલી રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યા શખ્સે કહ્યુ કે, મને આવી જ રીતે ઘૂંટણમાં દુખાવો થતો હતો એટલે મે મુંબઇના એમ.પાટીલ નામના ડોક્ટર પાસે સારવાર કરાવતા મને અત્યારે સારૂ થઈ ગયુ છે તેમ કહીને શખ્સે તબીબનો મોબાઇલ નંબર આપ્યો હતો.

સંજયભાઇએ બીજા દિવસે ફોન કરીને દુખાવા અંગે વાતચીત કરતા તબીબે કહ્યું કે, હું અમદાવાદ આવવાનો છું તમારું એડ્રેસ આપજો એટલે ઘરે આવીને સારવાર કરી જઈશ. બાદમાં એડ્રેસ મોકલતા મંગળવાર સવારે ડોક્ટર વૃદ્ધના ઘરે આવ્યા હતા. જ્યાં તબીબે ઘૂંટણ જોઇને કહ્યુ કે, પસ થયુ છે એક વખત પસ કાઢવાના 6 હજાર રૂપિયા થશે તેમ કહીને 153 વખત ઘૂંટણમાંથી પસ કાઢ્યુ હતું.

ડોક્ટરે કહ્યું કે, 7 લાખનું બિલ થયુ છે મારા આસિસ્ટન્ટને આપી દેજો મારે બીજે જવાનું છે તેમ કહીને જતા રહ્યા હતા. દર્દીએ ચેક આપવાનું કહેતા આસિસ્ટન્ટે કહ્યુ કે, રોકડા આપવા પડશે અને એવુ હોય તો 6 લાખ આપો. સંજયભાઇ અને રાજુ બંને પહેલા વટવા બેંકમાં ગયા હતા ત્યાં કેસ વધારે ન હોવાથી તેઓ મણિનગર ખાતે બેંકમાં જઈને 6 લાખ ઉપાડીને આપ્યા હતા.

બાદમાં સંજયભાઇએ ડોક્ટર અંગે દિકરીને વાત કરી હતી. જેના પગલે તેમની દિકરીએ વિઝિટ કાર્ડ અંગે ઓનલાઇન તપાસ કરતા આ નામથી કોઇ ડોક્ટર ન હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ડો.એમ.પાટીલ, આસિસ્ટન્ટ રાજુ પાટીલ સામે ઠગાઈ સહિતની ફરિયાદ નોંધાવી છે.

(12:12 PM IST)