News of Thursday, 19th December 2024
થાઇલેન્ડથી આવેલ પાર્સલમાં મની લોન્ડરિંગનો કેસ બનાવી દિલ્હી ક્રાઇમ બ્રાંચના નામે ધમકી આપી :28 લાખ ખંખેર્યા
પાલનપુરમાં કંપનીના ઓડિટરને ડિજિટલ અરેસ્ટ કરી 28 લાખનો ચૂનો લગાવ્યો

અમદાવાદ :ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને મૂળ બનાસકાંઠાના વતની ન્યુજર્સી ખાતેની ખાનગી કંપનીમાં ઓડિટર તરીકે નોકરી કરતા ધર્મેન્દ્ર જોષીને ગઠિયાઓએ ડિજિટલ એરેસ્ટ બતાવી 28.19 લાખ પડાવી લેતા આ અંગે પાલનપુર સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
ભોગ બનનારના મોબાઈલ પર અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને ક્રાઈમ બ્રાંચ દિલ્હીના અધિકારીની ઓળખાણ આપીને કહ્યું કે, થાઈલેન્ડથી એક પાર્સલ આવેલ છે અને તેમાં ક્રેડિટ કાર્ડ તથા ડ્રગ્સ અને મની લોન્ડ્રીંગની મેટર છે. અને તેમાં તમારો આધારકાર્ડ અને મોબાઈલ નંબર પણ આપેલ છે.
જો આ પાર્સલ તમારૂ ન હોય તો અને તમારા આધારકાર્ડનો દુરુપયોગ થયો હોય તો તેની કમ્પ્લેન નોંધાવવાનું કહ્યું હતું અને ત્યારબાદ ફરીથી બપોરના સમયે અન્ય એક નંબર પરથી કોલ આવ્યો હતો અને તે વ્યક્તિઅ પોતાની ઓળખ દિલ્હી ક્રાઈમ બ્રાંચમાંથી બોલતા હોવાનું આપી હતી.
જેમાં વિડીયો કોલ દ્વારા વેરીફિકેશન કરવા માટે દિલ્હી પોલીસનો લોગો ધરાવતું પ્રોફાઈલ પિકચર રાખીને વોટ્સએપ દ્વારા સીબીઆઈ, રિઝર્વ બેંક તેમજ સુપ્રિમ કોર્ટના નામના ખોટા લેટરની પીડીએફ બનાવી અને ધર્મેન્દ્રને મોકલી આપી હતી. અને વોટ્સએપ કોલમાં આઈપીએસ અધિકારી જેવો યુનિફોર્મ પહેરી ધર્મેન્દ્રકુમાર સાથે વિડીયોકોલથી વાતચીત કરી અને તેની માહિતી મેળવેલ આમ વારંવાર વોટ્સએપ કોલ અને વોઈસ કોલ કરીને મની લોન્ડ્રિંગનો કેસ થયો હોવાનું અને ભારે કલમ લાગુ કરવાની ચીમકી આપી હતી.
તમારો અને તમારા પરીવારનો જીવ જોખમમાં છે અને જો આ બાબતે કોઈને કહેશે તો પ્રાઈવસી ભંગના ભાગરૂપે જિંદગી ખેદાન મેદાન થઈ જશે અને તમારા તમામ બેંકની રકમ પર આરબીઆઈની વોચ છે અને તમારી સલામતી ઈચ્છતા હોય તો અમે જેમ કહીએ તેમ કરશો.
આથી ધર્મેન્દ્ર ગભરાઈ ગયેલ અને કેસમાંથી બચવા માટે તેમણે તેમની બેંકની એફડી તથા પોતાની પાસેની બચતની રકમ વગેરે મળીને તારીખ 15/10/2024 થી 18/10/2024 દરમિયાન કુલ રૂપિયા 28.19 લાખ ઉપરાંતની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવેલ અને કુરિયરના નામે ક્રાઈમ બ્રાંચ અને સાયબર ક્રાઈમના અધિકારીના નામે વેરિફિકેશન કરવાનું કહીને ડિજિટલ એરેસ્ટ કરી ઉપરોક્ત રકમ પડાવી લીધેલ અને બાદમાં વધુ રકમની માંગણી કરતા આરોપીએ ધર્મેન્દ્રભાઈની મજાક ઉડાવી કહ્યું હતું કે, તમારી સાથે સ્ક્રેમ થઈ ગયો છે આથી આ અંગે ડિજીટલ એરેસ્ટ બનાવનાર તમામ પુરાવા સાથે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા સાઈબર ક્રાઈમ વિભાગે મોબાઈલ નંબર અને એકાઉન્ટ નંબર ધારકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
