<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

સુરતના સરસાણા વિસ્તારમાં ઉંડા ખાળકુવામાં મહિલા ખાબકી:ફાયર વિભાગે સફળ રેસ્ક્યુ કર્યું

ખાળકૂવા ઉપર બનાવેલું સિમેન્ટનું ઢાંકણું એકદમ તકલાદી હોવાને કારણે મહિલા સીધી તેમાં પટકાઈ

સુરતના સરસાણા વિસ્તારમાં એક મહિલા અંદાજિત 30થી 35 ફૂટ ઊંડા ખાળકુવામાં પડી ગઇ હતી. ખાળકૂવા ઉપર બનાવેલું સિમેન્ટનું ઢાંકણું એકદમ તકલાદી હોવાને કારણે મહિલા સીધી તેમાં પટકાઈ હતી. આ દરમિયાન બનાવની જાણ ફાયર વિભાગને થતાં ઘટના સ્થળે પહોંચીને મહિલાનું સફળ રેસ્ક્યૂ કર્યું હતું.

મળતી માહિતી મુજબ સરસાણા સ્થિત દરજી ફળીયામાં રહેતા 38 વર્ષીય મહિલા નજીકમાં બનાવેલા 30 થી 35 ફૂટ ઊંડા ખાળકુવામાં ખાબકી હતી, જેથી બુમાબુમ કરતા ત્યાં પડોશીઓ એકઠા થઇ ગયા હતા અને મહિલાને બહાર કાઢવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ ખાળકુવો ઊંડો હોવાથી સફળતા મળી ન હતી. આખરે બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. આ દરમિયાન ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

ખાળકુવા ઉપર બનાવેલું સિમેન્ટનું ઢાંકણું ખુબ જ નબળું થઇ ગયું હતું, જેથી મહિલા ઢાંકણા પરથી પસાર થતા જ ઢાંકણ તૂટી ગયું હતું અને મહિલા પટકાઈ હતી.આ દરમિયાન ઢાંકણનો બીજો ભાગ ન પડે તેથી ફાયર વિભાગે મહીલાને હેલમેટ આપ્યું હતું અને બાદમાં સીડી મૂકી ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ મહિલાને સહી સલામત ખાળકુવામાંથી બહાર કાઢી લીધી હતી. આ ઘટનામાં મહિલાને પગના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું.

(1:45 PM IST)