News of Thursday, 19th December 2024
અંકલેશ્વરવાળા માધવ પ્રિયા સ્વામિના ત્રણ કરોડના જમીન કૌંભાડમાં સુરેશ ધોરીની ૧૦દિવસની રીમાન્ડ મંજુર

રાજકોટ તા. ૧૯: અંકલેશ્વર વાળા માધવપ્રિયા સ્વામીના ૩- કરોડના જમીન કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે રજુ થયેલ સુરેશ તુલસી ધોરીની ૧૦ - દિવસની પોલીસ રીમાન્ડ રાજકોટની ડીસ્ટ્રીક કોર્ટે મંજુર કરી હતી.
ગાંધીનગરની ફોડ સેલના પી.આઈ.એ. તા. ૧૭/૧૨/૨૦૨૪ ના રોજ ધરપકડ કરી ગઇકાલે રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટમાં રજુ કરાતા રીમાન્ડ મંજુર થયેલ હતી.
આ કેસની હકિકત મુજબ દહેગામ પાસેના લીંબા ગામની ૫૧૦ વીઘા જમીન ઉપર ગૌ શાળા અને ભવ્ય મંદિર બનાવવાના નામે ખેડુતોની જમીનો ખરીદ કરવાનુ સાટાખત ફરીયાદી જસ્મીનભાઈ માઢક સાથે કરવામાં આવેલ હતુ. આ કરાર મુજબ વી.પી. સ્વામી, જે. કે. સ્વામી, એમ.પી. સ્વામી, ડી.પી. સ્વામી નાઓએ ફરીયાદીને સમજાવી પટાવી ખેડુતોની જમીનો ખરીદવાનુ સાટાખત કરાવેલ હતું. આ સાટાખત મુજબ સુથીના રૂા.૩-કરોડ ફરીયાદી પાસે ખેડુતોને અપાવેલ હતા. ફરીયાદીને વિશ્વાસમાં લેવા માટે આ સ્વામીઓએ જણાવેલ હતુ કે અસલ સાટાખત ફરીયાદી તેઓને સોંપી આપે ત્યારે સુથીની રૂા.૩-કરોડની રકમ ફરીયાદીને મળી જશે. આવા વિશ્વાસે ફરીયાદીએ ખેડુતોની જમીન ૫૧૦ વીઘા ખરીદ કરવાનો કરાર કરી ફરીયાદીએ સુથીની રકમ ચુકવેલ હતી ત્યારબાદ ફરીયાદના જાણમાં આવેલ કે સ્વામીઓએ કાવતરારૂપે ફરીયાદી સાથે આ સાટાખત કરાવેલ હતુ જેમાં પોતાની જમીનો વેચાણ આપનાર ખેડુતો પણ સામેલ હતા. આ રીતે સ્વામીઓ અને ખેડુતોએ કાવતરુ રચી ફરીયાદી પાસેથી ૩-કરોડની માતબર રકમ મેળવી લીધેલ.
કરાર મુજબ કોઈ દસ્તાવેજો ન થતા અને ફરીયાદીને તેમની રકમ પાછી ન મળતા તેઓએ ભકિતનગર પો. સ્ટે. માં ફરીયાદ નોંધાવેલ જેની તપાસ દરમ્યાન આ તમામ વિગતો જણાઈ આવેલ હતી. ફરીયાદી અને ખેડુતો તથા સ્વામીઓ વચ્ચે અસરકારક રીતે મધ્યસ્થી કરનાર સહઆરોપી સુરેશ તુલસીભાઈ ઘોરી ની લાંબા સમય બાદ ધરપકડ થતા કોર્ટ સમક્ષ સરકાર તરફે રજુઆત કરવામાં આવેલ હતી કે, ધરપકડ કરવામાં આવેલ લાલજી ઢોલા, ભુપેન્દ્ર પટેલ, વિજયસિંહ ચૌહાણ, જે. કે. સ્વામી અને વી.પી. સ્વામી નાઓની પણ ધરપકડ થયેલ છે પરંતુ આ ૩-કરોડની માતબર રકમ કોની પાસે છે તેવી કોઈ હકિકત તેઓએ જણાવેલ નથી.
પ્રોસીકયુશન તરફે આ સંજોગોમાં દલીલ કરવામાં આવેલ કે, આજરોજ રજુ થયેલ આરોપી સુરેશ ઘોરી પાસેથી આ રકમ મળી આવવાની અથવા તો આ રકમ કોની પાસે છે તે જણાઈ આવવાની પુરેપુરી શકયતા છે તેથી તેઓના ૧૪-દિવસના પોલીસ રીમાન્ડ માંગવામાં આવેલ હતા. બંને પક્ષકારોની દલીલો સાંભળી પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ ગોહીલએ મુખ્ય આરોપી તરીકે રજુ થયેલ સુરેશ ઘોરી ને ૧૦- દિવસના પોલીસ રીમાન્ડ ઉપર સોંપવામાં આવેલ હતા. આ કેસમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકિલ શ્રી એસ. કે. વોરા એ રજુઆતો કરેલ હતી.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
