<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા: પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતા હોય એમ રખિયાલમાં બેખૌફ બનેલા લુખ્ખાઓની દાદાગીરીએ પોલીસને નિચાજોણું કર્યું : ખાખીનો કોઈ ડર ન હોય એમ લુખ્ખા પોલીસને કહી રહ્યા છે “બહોત મારુંગા સાહેબ”

પોલીસ પણ જાણે કે તેમની વાત માનતી હોય એમ આવા લુખ્ખાઓ સામે પગલા ભરવાને બદલે ત્યાંથી જતી રહે છે. પોલીસનું આ વલણ જોતા તો લાગે છે કે પોલીસ ખુદ પોતાની સુરક્ષા માટે પાંગળી

અમદાવાદ તા.૧૯ : અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે અને પોલીસ જાણે પાંગળી બની ગઈ છે. અમદાવાદ પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતા હોય એમ રખિયાલમાં બેખૌફ બનેલા લુખ્ખાઓની દાદાગીરીએ પોલીસને નિચાજોણું કર્યું છે

રખિયાલમાં લુખ્ખાઓનો ત્રાસ

રખિયાલમાં જાણે તેમનું રાજ ચાલતું હોય એમ આ લુખ્ખાઓ પોલીસની કાર પાસે ઉભેલા પોલીસ કર્મચારીઓને ધમકાવી રહ્યા છે. ઓન ડ્યુટી પોલીસ કર્મચારીને મારવાની ધમકી આપે છે. ખાખીનો કોઈ ડર ન હોય એમ લુખ્ખા પોલીસને કહી રહ્યા છે “બહોત મારુંગા સાહેબ” અને પોલીસ પણ જાણે તેમનાથી ડરતી હોય એમ કોઈપણ પ્રતિકાર કર્યા વગર મુંગા મોઢે તમાશો જુએ છે. લુખ્ખાઓ પોલીસને તેમની જ વાનમાં બેસાડી દરવાજો બંધ કરી ઘટનાસ્થળ છોડી જતા રહેવા કહે છે અને પોલીસ પણ જાણે કે તેમની વાત માનતી હોય એમ આવા લુખ્ખાઓ સામે પગલા ભરવાને બદલે ત્યાંથી જતી રહે છે. પોલીસનું આ વલણ જોતા તો લાગે છે કે પોલીસ ખુદ પોતાની સુરક્ષા માટે પાંગળી છે. અમદાવાદની આવી પોલીસને પાવર આપવાની જરૂર છે.

પોલીસની નિષ્ક્રિયતાનો પર્દાફાશ

રખિયાલમાં લુખ્ખાની દાદાગીરી જોઇ પોલીસ જે રીતે નાસી છૂટી છે તેનાથી અનેક સવાલ ખડા થાય છે. સવાલ છે કે શું અમદાવાદની પોલીસ આ રીતે પેટ્રોલિંગ કરે છે ? શું અમદાવાદની પોલીસ લુખ્ખાઓથી ડરે છે ? શું આ રીતે નાગરિકોની સુરક્ષા કરશે પોલીસ ?

ધરપકડની કાર્યવાહી

અસામાજિક તત્વોનો ઘાતક હથિયારો સાથેનો વીડિયો સામે આવ્યા બાદ બાપુનગર પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. જ્યારે કે અન્ય આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. વાયરલ વીડિયોના આધારે રખિયાલ તેમ બાપુનગર એમ બંને પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

(5:04 PM IST)