<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

નવસારીનાં સાતેમ ગામે નટવરગીરી ગોસ્વામી નામનો બોગસ તબીબ ઝડપાયો:આખી હોસ્પિટલ ચલાવતો હતો

બોગસ તબીબ આયુર્વેદિક અને પંચકર્મ ટ્રીટમેન્ટના નામે 2 વર્ષથી 6 બેડની એલોપેથિક હૉસ્પિટલ ચલાવતો હતો : રૂપિયા 2.69 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

નવસારી જિલ્લામાં છેલ્લા 15 દિવસથી બોગસ ડૉક્ટરને ઝડપી પાડવા શરૂ થયેલા અભિયાનમાં અત્યાર સુધીમાં નવ કેસ બોગસ ડૉક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. નવસારી તાલુકાનાં સાતેમ ગામે નટવરગીરી ગોસ્વામી નામનો બોગસ તબીબ આયુર્વેદિક અને પંચકર્મ ટ્રીટમેન્ટના નામે 2 વર્ષથી 6 બેડની એલોપેથિક હૉસ્પિટલ ચલાવતો હતો. જેને પોલીસે ઝડપી લીધો હતો.

નવસારીના સાતેમ ગામે આવેલા હનુમાન ફળિયામાં શિવ આયુર્વેદિક હૉસ્પિટલના નામે નટવરગીરી ગોસ્વામી છેલ્લા બે વર્ષથી આયુર્વેદિક અને પંચકર્મ ટ્રીટમેન્ટની આડમાં હૉસ્પિટલ ચલાવતો હતો. જેની નવસારી પોલીસની એસઓજીની ટીમને જાણ થતાં દરોડા પાડ્યા હતા. હૉસ્પિટલમાંથી અલગ-અલગ દવાઓ, ડૉક્ટરી પ્રેક્ટિસ કરવાના સાધન સામગ્રી મળી કુલ 2,69,719નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવસારી શહેરના જાણીતા ડૉક્ટરો આ હૉસ્પિટલમાં સારવાર આપવા માટે આવતા હતા. હૉસ્પિટલ લાઈસન્સ ધરાવે છે કે, કેમ તે ચકાસવાની પણ તસ્દી શહેરના ડિગ્રીધારક ડૉક્ટરોએ લીધી ન હતી. એમ એસ ઓર્થોની ડિગ્રી ધરાવતો ડૉક્ટર દ્વારા આ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવતી હોવાની પોલીસ તપાસમાં જાણકારી મળી હતી.

આ હૉસ્પિટલમાં છ થી સાત જેટલા બેડ હતા. આ હૉસ્પિટલમાં ઓપરેશન થિયેટર હતું કે, કેમ તે અંગે તપાસ કરવામાં આવશે. આરોપી ડોક્ટર નટવરગીરી રેવાગીરી ગોસ્વામી દ્વારા ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી વર્ષ 2014માં ડિગ્રી લીધી હોવાની પ્રાથમિક માહિતી મળી છે, જેમાંથી ચોક્કસ કઈ ડિગ્રી ધરાવે છે તેની તપાસ પોલીસ કરી રહી છે.

નવસારી જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઈવમાં 9 જેટલા ડૉક્ટરો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ડ્રાઈવ દરમિયાન 2,69,719નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ડૉક્ટર દ્વારા બી એમ એસની ડીગ્રી રજૂ કરવામાં આવી હતી, જે સાચી છે કે કેમ તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી હતી.

(8:57 PM IST)