News of Thursday, 19th December 2024
બાબાસાહેબ પર ગૃહમંત્રીના વિવાદિત નિવેદન પર રાજ્યભરમાં વિરોધ : આપ અને NSUI મેદાનમાં
અમદાવાદ, રાજકોટ, વડોદરા, પાટણ, જામનગર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનો

અમદાવાદ: રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે બાબાસાહેબ આંબેડકરને લઈને આપેલા વિવાદિત નિવેદનનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. જેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, પાટણ, જામનગર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા છે. નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા અને આમ આદમી પાર્ટી સહિત ઘણા સંગઠનોએ વિરોધ નોંધાવી ફરિયાદ પણ ફાખલ કરવામાં આવી છે.
સંસદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહનાં વિવાદિત નિવેદન બાદ દેશમાં ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં પણ તેનાં પડઘા પડ્યા છે અને ગુજરાત યુનિવર્સિટી પાસે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે NSUIના વિરોધ પ્રદર્શન પહેલા જ યુનિવર્સિટી વિસ્તારમાં પોલીસ છાવણીમાં ફેરવી દીધો હતો.
NSUIના કાર્યકરો હાથમાં બેનર સાથે વિરોધ કરવા ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યા ત્યાં જ પોલીસે NSUIના કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. કાર્યકરોની અટકાયત દરમિયાન પોલીસની હાજરીમાં જ NSUIના કાર્યકરો પોલીસવાન પર ચઢી ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક કાર્યકરોને પકડીને નીચે ઉતાર્યા હતા
ગૃહમંત્રી શાહના નિવેદનના પડઘા સૌરાષ્ટ્રમાં પણ પડ્યા છે. રાજકોટમાં આજે NSUI શહેરના કોટેચા ચોક ખાતે ઉગ્ર વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUI દ્વારા અમિત શાહની માફીની માંગના બેનર દર્શાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. બાબાસાહેબના ફોટા સાથે રસ્તા પર બેસી જઈને રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જેના લીધે કોટેચા સર્કલ, કાલાવડ રોડ પર ટ્રાફિક સર્જાયો હતો. જો કે બાદમાં પોલીસે 10 જેટલા કાર્યકર્તાની અટકાયત કરી હતી.
જુનાગઢમાં આમ આદમી પાર્ટી અને સ્વયં સૈનિક દળ દ્વારા અમિતભાઈ શાહના નિવેદન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. સ્વયં સૈનિક દળ દ્વારા બાઈક રેલી યોજી કાળવા ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. જામનગર શહેરના લાલ બંગલા સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી હાથમાં વિવિધ બેનરો રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં રેલી યોજીને અમિતભાઈ શાહના રાજીનામાની માગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું હતું. ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા રાજ્યસભામાં ડૉ બાબા સાહેબ આંબેડકર વિરૂદ્ધ જે આપત્તિજનક ટિપ્પણીના વિરોધમાં આમ આદમી પાર્ટીના ગાંધીનગર અને પાટણના હોદ્દેદારો દ્વારા અમિત શાહ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં અરજી આપવામાં આવી છે.
વડોદરામાં પણ કોંગ્રેસ અને NSUI દ્વારા ગૃહમંત્રીની માફી અને રાજીનામાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. એમ.એસ. યુનિવર્સિટી મેઇન બિલ્ડીંગ ખાતે NSUIએ સુત્રોચ્ચારો કર્યાં હતા અને અમિતભાઈ શાહ માફી માગો અને હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા અને મુખ્ય રોડ પર બેસીને સુત્રોચ્ચારો કર્યાં હતા. જેથી સયાજીગંજ પોલીસે પહોંચીને NSUIના કાર્યકરોની અટકાયત કરી હતી
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
