<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th December 2024

સુરતના વરાછામાં વાહન ચોરીના ગુનામાં 21 વર્ષથી વૉન્ટેડ આરોપી રાજસ્થાનથી ઝડપાયો

આરોપી સાધુનો વેશ ધારણ કરી રાજસ્થાનના સિવાનાગામ સ્થિત રામદેવપીર મંદિર ખાતે રહેતો હતો

સુરતના વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં રાજસ્થાન ખાતેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી છેલ્લા 21 વર્ષથી વોન્ટેડ હતો અને તે હાલમાં સાધુનો વેશ ધારણ કરી મંદિરમાં પૂજારી તરીકે રહેતો હતો

કાયદા માટે એવું કહેવાય છે કે, ગુનેગાર ભૂલી જાય પણ કાયદો ગુનો ભૂલતો નથી, ત્યારે સુરતમાં 21 વર્ષ અગાઉ વાહનચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો છે. આરોપી ગુજરાતના સીમાડા ઓળંગીને રાજસ્થાનના મંદિરમાં સાધુના વેશમા પૂજારી બની ગયો હતો. જો કે, પોલીસે 2003ના કેસના આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ, ક્રાઈમ બ્રાંચની ટીમે રાજસ્થાનના સીવાનાગામ ખાતેથી આરોપી છેલસિંહ રામસિંહ ગૈવયા (52)ને ઝડપી પાડ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલો આરોપી વર્ષ 2003ની સાલમાં સુરત શહેર ખાતે રહેતો હતો અને તે વખતે તેઓએ વરાછા વિસ્તારમાંથી 27 હજારની કિંમતની એક ટુવ્હીલ બાઈકની ચોરી કરી હતી નાસી ગયો હતો.

આરોપી આજદિન સુધી નાસતો ફરતો હતો અને હાલમાં સાધુનો વેશ ધારણ કરી રાજસ્થાનના સિવાનાગામ સ્થિત રામદેવપીર મંદિર ખાતે રહેતો હતો. આરોપી રાજસ્થાનમાં રહેતો હોવાની માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક ટીમ મોકલી અને રામદેવપીર મંદિર પાસે વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો.

(12:36 AM IST)