<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

ગુજરાતની હાઈકોર્ટમાં ૧,૭૦,૯૬૩ કેસ પડતર; જ્‍યારે રાજ્‍યની

જિલ્લા અને નીચલી અદાલતોમાં પડતર કેસની કુલ સંખ્‍યા ૧૬,૯૦,૬૪૩ કાયદા અને ન્‍યાય રાજ્‍યમંત્રીનો રાજ્‍યસભાના સાંસદ પરિમલ નથવાણીને પ્રત્‍યુત્તર

(મુકુંદ ᅠબદિયારી દ્વારા) જામનગર તા.૨૧ : અત્‍યારે ગુજરાત હાઈકોર્ટમાં ૧,૭૦,૯૬૩ જેટલા કેસ પડતર છે, જ્‍યારે રાજ્‍યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં ૧૬,૯૦,૬૪૩ કેસ પડતર છે. રાજ્‍યસભાના સાંસદ પરિમલભાઇ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્‍દ્રીય કાયદા અને ન્‍યાય (સ્‍વતંત્ર હવાલો) તેમજ સંસદીય બાબતોના રાજ્‍યમંત્રી  અર્જુન રામ મેઘવાલે ૧૯ ડિસેમ્‍બર, ૨૦૨૪ના રોજ રાજ્‍યસભાને આ માહિતી પૂરી પાડી હતી.

ગળહમાં રજૂ કરાયેલા મંત્રીશ્રીના નિવેદન મુજબ, હાલ ભારતની સુપ્રીમ કોર્ટમાં કુલ ૮૨,૬૪૦ કેસ પડતર છે, જ્‍યારે દેશની વિવિધ હાઇકોર્ટમાં કુલ ૬૧,૮૦,૮૭૮ કેસ પડતર છે અને દેશની જુદી-જુદી જિલ્લા તથા નીચલી અદાલતોમાં કુલ મળીને ૪,૬૨,૩૪,૬૪૬ કેસ હાલની તારીખે પડતર છે.

મંત્રીશ્રીના નિવેદન અનુસાર, ગુજરાત હાઈકોર્ટમાં જજની કુલ મંજૂર કરાયેલી ૫૨માંથી ૨૦ જગ્‍યા ખાલી પડી છે. જ્‍યારે ગુજરાતની જિલ્લા તથા નીચલી અદાલતોમાં જજની કુલ મંજૂર કરાયેલી ૧૭૨૦માંથી ૫૩૫  જગ્‍યા ખાલી પડી છે. દેશની વિવિધ હાઈકોર્ટમાં જજની કુલ ૧૧૨૨ જગ્‍યા મંજૂર કરાયેલી છે, જેમાંથી ૩૬૮ જગ્‍યા આજે પણ ખાલી છે. જ્‍યારે આજની પરિસ્‍થિતિમાં દેશની વિવિધ જિલ્લા અને નીચલી અદાલતોમાં કુલ ૨૫૭૪૧ જજની સંખ્‍યા મંજૂર કરાયેલી છે જેની સામે ૫૨૬૨ જગ્‍યા હજી ખાલી છે, તેવો મંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો. તેમના નિવેદન મુજબ, ભારતની સુપ્રીમ કોર્ટમાં જજની મંજૂર કરાયેલી કુલ ૩૪માંથી ફક્‍ત એક જ જજની જગ્‍યા ખાલી છે.

શ્રી નથવાણી સર્વોચ્‍ચ અદાલત તેમજ દેશની વિવિધ હાઈકોર્ટ અને જિલ્લા તથા નીચલી અદાલતોમાં જજની ખાલી પડેલી સંખ્‍યા ઉપરાંત ભારતની સુપ્રીમ કોર્ટમાં તેમજ વિવિધ હાઈકોર્ટ અને નીચલી અદાલતોમાં હાલ પડતર રહેલા કેસની સંખ્‍યા વિશે જાણવા ઈચ્‍છતા હતા

(1:51 PM IST)