<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

રાહદારીઓને લૂંટી લેતી ગેંગ ઝડપાઈ: સરખેજ પોલીસ પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા

આરોપીઓએ ઘાટલોડિયા, નરોડા, અસલાલી, સોલા સહિતનાં પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લૂંટ અને ચોરીનાં ગુનાને અંજામ આપ્યો હોય તપાસનો ધમધમાટ

અમદાવાદ : શહેરમાં રસ્તે ચાલતા જતા રાહદારીઓને રોકીને ચપ્પુ કે છરી બતાવી મોબાઈલ લૂંટી લેવાની ઘટનાઓ સામે આવી હતી. જેમાં સરખેજ વિસ્તારમાં બનેલી આવી જ એક ઘટનાની તપાસમાં પોલીસે ગુનામાં સામેલ ટોળકીનાં સભ્યોની ધરપકડ કરી છે.

સરખેજ વિસ્તારમાં 13 ડિસેમ્બરનાં રોજ સંદિપ રાણા તેનાં મિત્ર અનમોલ શર્મા અને અજયકુમાર રામ સાથે રાતનાં સાડા બાર વાગેનાં અરસામાં યુલોગીયા હોટલથી એસપી રીંગ રોડ પર ચાલતા જતા હતા, ત્યારે રોડ પાસે બનતી નવી સાઈડ સામે ખુલ્લામાં પડેલી હેર સલૂનની ખુરશી પાસે વાતચીત કરતા હતા જે દરમિયાન એક મોટર સાયકલ પર 4 શખ્સો તેઓની પાસે આવ્યા હતા અને ઝઘડો કરી અજય રામને છરી મારી તેનો અને સંદિપ રાણાનો મોબાઈલ લૂંટી લીધો હતો. વધુમાં આરોપીઓએ અનમોલ શર્માંનાં ખિસ્સામાંથી 200 રૂપિયા પણ પડાવી ફરાર થઈ ગયા હતા.]

આ મામલે સરખેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ રીતે તપાસ કરી મુમતપુરા બ્રીડ નીચેથી હર્ષ શર્મા, પ્રહલાદ બુનકર, સુનિલ ખોખરીયા અને આશિષ બુનકરને પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા બન્ને મોબાઈલ અને ઉપયોગમાં લીધેલી મોટર સાયકલ કબ્જે કરાઈ હતી. આરોપીઓની વધુ તપાસ કરતા તેઓની પાસેથી અન્ય 20 જેટલા મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. 

 

આરોપીઓની પુછપરછ કરતા તેઓએ આ મોબાઈલ અલગ અલગ જગ્યાઓ પરથી લૂંટ અને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ઝડપાયેલા ચારેય આરોપીએ ડુંગરપુર રાજસ્થાનના રહેવાસી છે. આરોપીઓ અમદાવાદમાં રહી સામાજિક પ્રસંગોમાં વેટર તરીકે કામ કરતા અને મોલમાં નોકરી અને છૂટક મજૂરી કરતા હતા. આ કેસમાં ઝડપાયેલો હર્ષ શર્મા રાતના સમયે રેપિડો બાઈક ચલાવે છે. આરોપીઓએ ઘાટલોડિયા, નરોડા, અસલાલી, સોલા સહિતનાં પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લૂંટ અને ચોરીનાં ગુનાને અંજામ આપ્યો હોય તેઓની વધુ તપાસ સરખેજ પોલીસે હાથ ધરી છે.

 

(10:41 PM IST)